પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : વર્ષ 2025ના પ્રારંભમાં પોરબંદરને મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિકોને વિકાસની આશા દેખાતી હતી પરંતુ વોર્ડ નં 6માં વિકાસની વાતોના માત્ર વડા બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તનતોડ વેરો વસુલ કરતી મહાનગરપાલિકામાં વિકાસના માત્ર કાગળ પર થઇ રહ્યો હોય તેવું લાગે છે.
પોરબંદરના વોર્ડ નં 6માં મહાનગરપાલિકાનો વિકાસ જોવા મળ્યો નથી, જેમાં ખાસ કરીને સફાઈનો ખુબ જ અભાવ જોવા મળી રહ્યો છે. કાદવ કીચડ સાફ કરવામાં આવતો નથી તેમજ સ્થાનિકો જયારે હેલ્પ લાઇન નંબર પર ફરિયાદ નોંધાવે છે ત્યારે મનપાના અધિકારીઓ માત્ર ફરિયાદ નોંધી સંતોષ માને છે. છેલ્લા 15 દિવસથી પણ વધુ સમયથી હેલ્પલાઈનના અધિકારીઓ “અમારું કામ માત્ર ફરિયાદ લખવાનું છે” તેવા ઉડાઉ જવાબો આપી રહ્યા હોવાનું સ્થાનિકો આક્ષેપો લગાવી રહ્યા છે. ત્યારે આ સ્થાને વિકાસ થશે કે માત્ર કાગળ પર જ રહેશે તેવા સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya