ગાંધીનગર, 5 જુલાઈ (હિ.સ.) : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી શરૂ કરવામાં આવેલી GP-SMASH (ગુજરાત પોલીસ - સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ) પહેલે ફરી એકવાર નાગરિકોની સુરક્ષા અને સેવા માટે પોતાની કાર્યક્ષમતા સાબિત કરી છે. લૉ એન્ડ ઓર્ડર ડીઆઈજી દીપક મેઘાણીના માર્ગદર્શન હેઠળ આ પહેલ રાજ્યના નાગરિકોની ફરિયાદો અને ચિંતાઓનું ઝડપથી નિરાકરણ લાવી ગુજરાત પોલીસ નાગરિકોથી માત્ર સિંગલ ક્લિક નજીક હોવાનો અહેસાસ કરાવી રહી છે.
શુક્રવાર બપોરે ૦૩:૧૫ વાગ્યે, તરુણાબેન જૈન નામના એક જાગૃત મહિલાએ X પ્લેટફોર્મ પર ગુજરાત પોલીસને ટેગ કરીને એક ગંભીર પોસ્ટ મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રેન નંબર ૧૨૪૭૧ના કોચ નંબર S4માં એક માતા તેમના બે બાળકો સાથે પ્રવાસ કરી રહી હતી. ટ્રેન કુડસડ અને કોસંબા (સુરત) વચ્ચે પસાર થઈ રહી હતી ત્યારે આ માતા ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગઈ. તો જલ્દી મદદ કરો.
૨૪*૭ એલર્ટ રહેતી GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમે આ પોસ્ટ ઉપર ત્વરિત સંજ્ઞાન લઈ, માત્ર ચાર મિનિટમાં, એટલે કે બપોરે ૦૩:૧૯ વાગ્યે, શિફ્ટ ઈનચાર્જ પીએસઆઈ કે.ઓ.દેસાઈ અને કોન્સ્ટેબલ અશોકભાઈ ઠાકોરે X હેન્ડલ @GujaratPolice ઉપરથી @Grp_Vadodaraને ટેગ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી.
આ સૂચનાના પગલે, વેસ્ટર્ન રેલવે વડોદરાએ તાત્કાલિક બે ટીમો ગઠન કરી. એક ટીમે ટ્રેનના સંબંધિત કોચમાં રહેલા બંને બાળકોને સુરક્ષિત રીતે કબજે કરીને તેમની સંભાળ લીધી, જ્યારે બીજી ટીમે ટ્રેનમાંથી પડી ગયેલી માતાની શોધખોળ માટે તપાસ શરૂ કરી. બપોરે ૦૩:૪૧ વાગ્યે, @Grp_Vadodara X હેન્ડલ ઉપરથી સંબંધિત પોસ્ટ પર રિપ્લાય કરીને જણાવવામાં આવ્યું કે બંને બાળકો સલામત અને સુરક્ષિત છે, અને તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. વધુમાં, માતાની શોધખોળ માટે ટીમો કાર્યરત છે, અને રેલવે ટ્રેક પર તપાસ બાદ નજીકની હોસ્પિટલો તથા આસપાસના વિસ્તારોમાં તપાસ ચાલુ છે.
કાયદો અને વ્યવસ્થા કે પોલીસ સંબંધિત કોઈ સમસ્યા કે મુશ્કેલીના સમયે કોઈપણ સમયે આ પહેલનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવા માટે રાજ્યના નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
GP-SMASH: નાગરિકોની સુરક્ષા અને સેવા માટે 24*7 સજ્જ
GP-SMASH પહેલ, જે ૧લી માર્ચ, ૨૦૨૫થી શરૂ કરવામાં આવી છે, તે સોશિયલ મીડિયા પર નાગરિકો દ્વારા રજૂ થતી ફરિયાદો, ચિંતાઓ અને સૂચનોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે કાર્યરત છે. આ પહેલ હેઠળ, સ્ટેટ લેવલની ડેડિકેટેડ ટીમ 24*7 રિયલ-ટાઇમમાં X પ્લેટફોર્મ પર થતી પોસ્ટ્સનું મોનિટરિંગ કરે છે અને ગણતરીની મિનિટોમાં જવાબ આપે છે. આ ઉપરાંત, રેન્જ, યુનિટ અને જિલ્લા સ્તરે પણ અલગ-અલગ ટીમો આ પ્રક્રિયાને સતત ટ્રેક કરે છે, જેથી નાગરિકોની સમસ્યાઓનું સમયસર નિરાકરણ થઈ શકે.
નાગરિકોની સુરક્ષા અને વિશ્વાસની ખાતરી
આ ઘટના GP-SMASH પહેલની કાર્યક્ષમતા અને નાગરિકો પ્રત્યેની જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રોજેક્ટે નાગરિકોને એવો અહેસાસ કરાવ્યો છે કે ગુજરાત પોલીસ માત્ર એક ક્લિક દૂર છે. આ પહેલના પરિણામે, નાગરિકોની પોલીસ પ્રત્યેની વિશ્વસનીયતા અને સુરક્ષાની ભાવનામાં નોંધપાત્ર વધારો થયો છે.
GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરિંગનું માધ્યમ નથી, પરંતુ ટેકનોલોજીથી સંલગ્ન, જવાબદાર અને નાગરિક-કેન્દ્રિત પોલીસ વ્યવસ્થા તરફનું એક મજબૂત પગલું છે. ગુજરાત પોલીસ આ પહેલ દ્વારા રાજ્યના નાગરિકોની સેવા અને સુરક્ષા માટે સતત પ્રતિબદ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ