પાટણ, 5 જુલાઈ (હિ.સ.)ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રમુખે ચીફ ઓફિસર અને સિટી એન્જિનિયર મૌલિન પટેલને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યો છે. આ આદેશ આપત્તિ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે લેવામાં આવ્યો છે.
પ્રમુખે પોતાના લેખિત હુકમમાં સ્પષ્ટ કર્યું છે કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ, ભૂવા પડવા, પાણી ભરાવા, ગંદકી અને રોગચાળા જેવી અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. આ તમામ પરિસ્થિતિઓમાં તાત્કાલિક પગલાં લેવાના હોય છે, એટલે અધિકારીઓની હાજરી અનિવાર્ય છે.
આદેશમાં વધુમાં જણાવાયું છે કે, જો કોઈ અત્યંત અગત્યના કારણસર હેડક્વાર્ટર છોડવું પડે, તો પ્રમુખની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ આદેશ નવો આદેશ ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર