પાટણ, 5 જુલાઈ (હિ.સ.) : હારીજના વાઘેલ રોડ પર આવેલી બાલાજી ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ મિલમાં રાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો મિલનું તાળું તોડી અંદર પ્રવેશ્યા અને તિજોરીને લગભગ 100 ફૂટ દૂર ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં તિજોરી તોડી તેમાંથી 83,430 રૂપિયા રોકડા, 40,000 રૂપિયાનું લેપટોપ અને પેન ડ્રાઈવ મળી કુલ 1.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી લીધો.
સવારના સમયે ચોકીદારે ચોરીના બનાવ અંગે મિલના માલિક મનિષભાઈ ઠક્કરને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા મનિષભાઈએ હારિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લાગેલા સીસીટીવી કેમેરામાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ નથી.
હાલમાં હારિજ પોલીસે પાટણ એલસીબી સાથે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે. તસ્કરોની ઓળખ કરવા માટે વાઘેલ રોડ પર આવેલી 10થી વધુ જિનિંગ મિલોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને તપાસને વધુ તેજ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર