અમરેલી 5 જુલાઈ (હિ.સ.) શ્રાવણ મહિનાની આગમન સાથે સમગ્ર ગુજરાતમાં ભગવાન શિવની ભક્તિમાં તેજી આવે છે. શિવભક્તો ભોલેનાથને પ્રિય બીલીપત્રથી અભિષેક કરતા હોય છે. શાસ્ત્રો અનુસાર, બીલીપત્રથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ધારી તાલુકાના ડીટલા ગામમાં આવેલી એક અનોખી વાડી આજે સમગ્ર પ્રદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીંના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીની વાડીમાં આવેલ બીલીપત્રના વૃક્ષો પર એક નહિ પણ એકથી નવ પાંખડીવાળા અને ક્યારેક તો 11 પાંખડીવાળા બીલીપત્રો જોવા મળે છે, જે ભાગ્યે જ જોવા મળે છે.
ઉકાભાઇ ભટ્ટી (ઉમર 61 વર્ષ) પરંપરાગત ખેતી કરે છે અને તેમના પાસે 9 વિઘા ખેતીભુમિ છે. તેમની વાડીએ આવેલ ત્રણ બીલીના વૃક્ષોમાંથી ખાસ એક વૃક્ષ પર અલગ પ્રકારના બીલીપત્રો દેખાય છે. સામાન્ય રીતે બીલીપત્રમાં ત્રણ પાંખડીઓ હોય છે, પરંતુ અહીંના બીલીપત્રોમાં 1, 3, 5, 7, 9 અને અહીં સુધી કે 11 પાંખડીઓના બીલીપત્રો જોવા મળે છે.
શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ વિવિધ ગામો અને શહેરોના શ્રદ્ધાળુઓ અહીં આવીને આ અલૌકિક બીલીપત્ર મેળવી ભગવાન શિવને અર્પણ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે ઉકાભાઇ આ બીલીપત્રો નિશુલ્ક અને નિસ્વાર્થ ભાવથી લોકોને આપે છે. લોકો અહીંથી આ પત્ર લઇને સોમનાથ, ઘેલા સોમનાથ, વડોદરા, સુરત, મુંબઈ સહિતના શિવ મંદિરોમાં અર્પિત કરે છે.
ઉકાભાઇ ભટ્ટી જણાવે છે કે, “શ્રાવણ મહિનો શિવભક્તો માટે પાવન અવસર છે. જ્યારે બીલીપત્રના દુર્લભ સ્વરૂપો ધરાવતાં પાંદડાઓ મારી વાડીમાં છે, ત્યારે હું તેને ભક્તોના લાભ માટે અર્પિત કરવું મારું ધર્મ માનું છું.”
આ પ્રકારની કુદરતી અસાધારણતા અને ભક્તિભાવના સંગમ તરીકે ડીટલા ગામનું નામ આજે ભક્તો વચ્ચે પ્રસિદ્ધિ પામે છે. વૈવિધ્યસભર પાંખડીવાળા બીલીપત્રો અહીંના ગામને ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આગવી ઓળખ અપાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek