નવી દિલ્હી, 8 જુલાઈ (હિ.સ.) કલકતા કાયદા વિદ્યાર્થી ગેંગ રેપ કેસની તપાસ
માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રચાયેલી ચાર સભ્યોની ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમે પાર્ટી
અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે. મંગળવારે, ફેક્ટ-ફાઇન્ડિંગ
ટીમના સભ્યોએ નડ્ડાના નિવાસસ્થાને, પોતાનો રિપોર્ટ સુપરત કર્યો. આ ફેક્ટ-ફાઇન્ડિંગ
સમિતિમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ પોલીસ અધિકારી સત્યપાલ સિંહ, ભૂતપૂર્વ
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી, લોકસભા સભ્ય બિપ્લબ કુમાર દેબ, રાજ્યસભા સભ્ય
મનન કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે.
મંગળવારે, જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું કે,” કલકતામાં કાયદા વિદ્યાર્થી
સામેના જઘન્ય ગુનાની તપાસ માટે રચાયેલી ભાજપ ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમનો રિપોર્ટ
પ્રાપ્ત થયો છે.”
આ રિપોર્ટ પશ્ચિમ બંગાળમાં અરાજકતાની ચરમસીમા અને મહિલા
સુરક્ષા પ્રત્યે રાજ્ય સરકારની ચિંતાજનક અસંવેદનશીલતાને ઉજાગર કરે છે. સંદેશખલીથી
આરજી કર હોસ્પિટલ અને હવે આ પેટર્ન એ જ છે, જેમાં આરોપીઓને મૌન, નિષ્ક્રિયતા અને
રક્ષણ આપવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, કલકતાની એક લો કોલેજમાં 24 વર્ષીય
વિદ્યાર્થીની પર કથિત બળાત્કારના બે દિવસ પછી, કેન્દ્રીય સ્તરે ભાજપે આ મામલાની તપાસ માટે ચાર સભ્યોની
તથ્ય શોધ સમિતિની રચના કરી હતી. સમિતિની જાહેરાત કરતા, કેન્દ્રીય મંત્રી
અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આ ઘટનાની નિંદા કરી અને પશ્ચિમ બંગાળમાં
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ