પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં નાના મોટા ગણ્યાગાંઠયા કારખાનાઓ પણ જયારે મૃતપાય અવસ્થામાં ચાલી રહયા છે અને નવી કોઈ ઈન્ડસ્ટ્રીઝ પોરબંદરમાં આવવા તૈયાર નથી ત્યારે જે કોઈ કારખાના કે ઈન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે તેઓ પણ પોતાના કામદાર/કર્મચારીઓનુ શોષણ કરી સંસ્થાએ નિભાવવાના થતા રજીસ્ટરો/ પત્રકો ન નિભાવી કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી પોરબંદરના લાતીબજાર વિસ્તારમાં આવેલ ડબ્બાના કારાખાના તરીકે જાણીતી થયેલી ક્રિષ્ના ટ્રેડર્સ નામની ઈન્ડસ્ટ્રીઝે પોતાના કર્મચારીઓને ક્યારેય કોઈ ડયુટી રેકર્ડ કે લેબર લો મુજબ આપવાની થતી લેબર રેકર્ડની નકલો પુરી પડાતી ન હોવાની ફરીયાદ સ્થાનીક રહીશ હાજી હબીબભાઈ સેતા દ્વારા પોરબંદરના સરકારી શ્રમ આયુક્ત સમક્ષ પોતાના એડવોકેટ વિજયકુમાર પંડયા દ્વારા દાખલ કરવામાં આવેલ છે. તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ચાલતા નાના મોટા બીજા કારખાનાઓમાં પણ આવા કોઈ જ રેકર્ડ ક્યારેય નિભાવાતા ન હોવાનું પણ હાજીભાઈએ પોતાની ફરીયાદમાં જણાવેલ છે. જેના ઉપરથી પોરબંદરના લગભગ તમામ કારખાના ઈન્ડસ્ટ્રીઝો કામદારોને લગતી કાયદેસરની પ્રક્રિયા અપનાવતી ન હોવાનુ સ્પષ્ટ અનુમાન લગાવી શકાય છે. કોઈપણ કંપનિ/સંસ્થાએ સ્ટાફના હાજરીપત્રક, પગારપત્રકં, વેતનચિકિ, ઓવર ટાઈમ પત્રક, રજા રજીસ્ટર વિગેરે જેવા પત્રકો કાયદા મુજબ ફરજીયાત નિભાવવાના થતા હોય છે અને તેની દર માસે આધારભુત પ્રમાણીત નકલો પણ જે-તે કર્મચારીને પુરી પાડવી જોઈએ તેવી આઈ. ડી. એકટમાં સ્પષ્ટ જોગવાઈ રહેલી હોવાછતાં મોટાભાગની કંપનિઓ આવા કોઈ જ કાયદાનુ પાલન કરતી નથી કે કામદાર વર્ગમાં પણ આ બાબતેની જાગૃતિ જરૂરી હોવાનું વકિલ વિજયકુમાર પંડયા જણાવે છે. આ ફરીયાદથી કારખાનાઓ રેકર્ડ નિભાવવા બાબતે સતર્ક બની ગયેલ છે. તેમજ કંપનિ વર્તુળમાં ચકચાર મચી જવા પામેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya