, પાટણ 8 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગમાં ચોંકાવનારી છેતરપિંડી પ્રકાશમાં આવી છે. પાલનપુરના કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર ફલાભાઈ પટેલે સિદ્ધપુર તાલુકાના કલ્યાણા-નેદ્રોડા રોડના કામ માટે ટેન્ડર મેળવવા HDFC બેંકની ખોટી FDR (ફિક્સ ડિપોઝિટ રસીદ) દાખલ કરી હતી. આ બનાવના અનુસંધાને, પાટણ જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્ક દીપકકુમાર રમેશચંદ્ર જાદવ દ્વારા બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાટણમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ ૧૩ ઓક્ટોબર ૨૦૨૨થી શરૂ થયો હતો, જ્યારે ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૨.૮૦ કરોડના રોડ કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પાટણ જિલ્લા પંચાયતની બાંધકામ શાખાએ ટેન્ડર બહાર પાડી અને સૌથી ઓછો દર આપનાર જીતેન્દ્ર પટેલને કામ મંજૂર કર્યું હતું.
ટેન્ડરની શરતો મુજબ ૩૦ જૂન ૨૦૨૩ના રોજ તેને કામ મંજૂર થતા, જીતેન્દ્ર પટેલે રૂ. ૮,૨૩,૫૦૦ની FDR અને રૂ. ૩૪,૦૦૦ના સ્ટેમ્પ રજૂ કરી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ કરારખત કર્યો હતો. આ આધાર પર તેમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
પરંતુ, વર્ક ઓર્ડર મળ્યા બાદ પણ જીતેન્દ્ર પટેલે road construction નું કામ શરૂ કર્યું નહોતું. ખાતા દ્વારા વારંવાર યાદવણી આપ્યા છતાં કોઈ પ્રતિક્રિયા ન મળતાં, ૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ કરાર રદ કરવામાં આવ્યો અને તેમને રૂ. ૨૭,૪૩,૫૨૨ રૂપિયાની ડેમેજ રિકવરી માટે નોટિસ પાઠવી હતી.
પંચાયત વિભાગે તેમના દ્વારા રજૂ કરાયેલ FDRના ડ્રાફ્ટની વસૂલાત માટે પાલનપુર HDFC બેંકનો સંપર્ક કર્યો હતો. HDFC બેંકના ૨૮ એપ્રિલ ૨૦૨૫ના પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે, એવી કોઈ પણ FDR તેમની દ્વારા ઈસ્યુ કરવામાં આવી નથી.
આ રીતે જીતેન્દ્ર પટેલે ખોટી FDR રજૂ કરીને અધિકારીઓને છેતર્યા હતા. હવે પાટણ પોલીસે IPC 406, 465, 467, 468 અને 471 મુજબ ગુનો નોંધી લીધો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સંબંધિત દસ્તાવેજો સહિત પૂરાવાઓ પોલીસે જપ્ત કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર