પાટણ, 8 જુલાઈ (હિ.સ.)હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ફિનીશિંગ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલ સિંહ આનંદના માર્ગદર્શન હેઠળ 7 જુલાઈ 2025થી અમલમાં આવ્યો છે. ફિનીશિંગ સ્કૂલ સમિતિના ઇન્ચાર્જ ડૉ. કમલેશ પટેલે કાર્યક્રમનું આયોજન કર્યું છે, જ્યારે મુખ્ય તાલીમકાર તરીકે સ્નેહા કટારા સેવા આપી રહી છે.
આ 20 દિવસના કોર્સમાં વિદ્યાર્થીના જીવનમાં જરૂરી એવા વિવિધ કૌશલ્યોનું તાલીમ આપવામાં આવશે. તેમાં સામાજિક કુશળતા, જીવન કૌશલ્ય, ઇન્ટરવ્યૂ તૈયારી, સંદેશા વ્યવહાર, સમય વ્યવસ્થાપન, કાર્યાત્મક અંગ્રેજી અને લેખન કૌશલ્ય શામેલ છે.
કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્કૃત વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડૉ. નરેન્દ્ર રાવલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને કૌશલ્ય તથા આવડતના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. જીગ્નેશ પરમારના સંચાલન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બી.એ. અને બી.એસ.સી.ના અંતિમ વર્ષના કુલ 55 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર