પાટણ, 8 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓને નુકસાન થયું હતું, જેના કારણે નાગરિકોને અવરજવરમાં મુશ્કેલીઓ ભોગવવી પડી રહી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લઈને મરામત કામગીરી શરૂ કરી છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર ડામર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમાં શંખેશ્વર-બેચરાજી રોડ, ચાણસ્મા-પાટણ-ડીસા રોડ, કાંસા-સરિયદ-સાપ્રા રોડ તથા ઉન્દ્રા રોડનો સમાવેશ થાય છે.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તાલુકા, શહેર અને ગામોને જોડતા રસ્તાઓની પણ મરામત કરવામાં આવી રહી છે, જેથી વાહનચાલકોને સરળ અને સુરક્ષિત અવરજવરની સુવિધા પુનઃ પ્રાપ્ત થાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર