પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)પોરબંદરના છાયા વિસ્તારમાંથી બે મહિના પહેલા એક ટ્રકમાંથી બેટરી ચોરાઈ હતી ચોરેલી બેટરી સાથે પોલીસે બે ઈસમોને પકડી લીધા બાદ હવે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.પોરબંદરના કડિયા પ્લોટના માર્કેટિંગ યાર્ડ રોડ પર પોલીસ લાઈન સામે રહેતા વિપુલ વિરમ ભૂતિયા નામના 26 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા વિરમભાઈ ભૂતિયા અને રાજકોટ ખાતે રહેતા કમલેશભાઈ ડેર બંનેએ સાથે મળીને એક ટ્રક કમલેશભાઈ ના નામ ઉપર ખરીદી કર્યો હતો.
તારીખ 11 મી મે ના રોજ આ ટ્રકને તેના ડ્રાઇવર ખીમાભાઈ વર્ધી કરીને પોરબંદર લાવ્યા હતા અને તેમના ઘર નજીક છાયા વાછરા દાદા ના મંદિર સામેના મેદાનમાં પાર્ક કર્યો હતો. ત્યારબાદ તારીખ 12 મી મેના રોજ ડ્રાઇવર ખીમાભાઈએ ફરિયાદી વિપુલના પિતા વિરમભાઇને ફોન કરીને એવું જણાવ્યું હતું કે ટ્રકમાં પૂણે ખાતે વર્ધીમાં જવાનું હોવાથી સવારે ટ્રક ચાલુ કરતા શરૂ થયો નહોતો અને તપાસ કરતા તેની બેટરી જ ચોરાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જો ટ્રક બંધ રહે તો પોસાય નહીં તેથી તાત્કાલિક નવી બેટરી લઈને ડ્રાઇવર તાત્કાલિક ટ્રકનું ભાડું કરવા માટે પૂણે જતો રહ્યો હતો. અને ત્યારબાદ બેટરી અંગે તપાસ કરી હતી પરંતુ પત્તો મળ્યો ન હતો.ગઈકાલે એચ.એમ.પી.કોલોનીમાં દરગાહ પાસેથી ફરિયાદી વિપુલ ભૂતિયા પસાર થતો હતો ત્યારે પોલીસના કર્મચારીઓએ બે માણસો ને બેટરી સાથે પકડી લીધા હતા અને તેમની પાસે રહેલી બેટરીમાં એક બેટરી વિપુલે પોતાના ટ્રકની ચોરાઈ ગઈ હોવાનું ઓળખી બતાવ્યું હતું. એ બંને બેટરી ચોર ની પોલીસે પૂછપરછ કરતા બોખીરાના જનકપુરી વિસ્તારમાં રહેતો ભરત હરીશ પાણખાણીયા અને બીજો છાંયાના ફુવારા પાસે રહેતો જયદીપ હેમંત ગોસ્વામી હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે એ બંનેની ધરપકડ કરી હતી અને 6000 રૂપિયાની બેટરી કબ્જે કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya