પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટા માઢ ગામના 39 વર્ષીય ગફુરભાઈ સૈયદને હથિયારોના ગેરકાયદે વેપારના ગુનાઓના આધારે પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમની સામે અગાઉ કુલ 9 ગુનાઓ નોંધાયા છે. પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા હુકમ બાદ એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી અને હારીજ પોલીસ સ્ટેશન મારફતે તેને સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
આ કડક પગલાં સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યા છે. એલસીબી પાટણના પોલીસ ઈન્સપેક્ટર આર.જી. ઉનાગરના સુપરવિઝન હેઠળ પીસીસી સેલે ગુનાઓના આધારે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.
પોલીસ વિભાગે હથિયારોના ગેરકાયદે વેપાર સામે સખત વલણ અપનાવ્યું છે. આ પ્રકારની ગુનાગર પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી સમાજમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર