નવસારી, 8 જુલાઈ (હિ.સ.)-રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઇવે, ગ્રામીણ તથા શહેરી માર્ગોને નુકસાન થયેલું છે. જેના કારણે નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્વના અને વિકાસની ધોરીનસ એવા રોડ નેટવર્કને યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુનઃ પુર્વવત બનાવવા જરૂરી છે. ત્યારે નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા નેશનલ હાઇવે નં.૪૮ ઉપર નવસારી જિલ્લામાંથી કુલ ૪૭.૧ કિ.મી.પસાર થાય છે, જેમા જ્યાં જરૂરી હોય ત્યાં સમારકામ / માર્ગ મરામત કરી નેશનલ હાઇવેને પુનઃ પુર્વવત બનાવાયો છે.
નવસારી જિલ્લામાંથી નેશનલ હાઇવે નં.૪૮ સુરતથી GJ/MH NH-૪૮નો વિભાગ જે નવસારી જિલ્લામાંથી જલાલપોર, નવસારી, ગણદેવી અને ચીખલી તાલુકામાંથી પસાર થાય છે. જે ૨૭૧.૫૦૦ કિ.મી થી ૩૧૮.૬૦૦ કિ.મી સુધી વિસ્તરેલો છે તથા તેની કુલ લંબાઈ આશરે ૪૭.૧૦૦ કિ.મી. છે. સાથે સાથે મહારાષ્ટ્રથી ગુજરાતમા પ્રવેશ માટે પણ આ માર્ગનો મહત્તમ ઉપયોગ થાય છે. ત્યારે રોજીંદા આવન જાવન સહિત વેપાર ધંધા માટે પણ આ હાઇવે આવશ્યક માધ્યમ છે. ગત દિવસોમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડતા નેશનલ હાઇવે સહિત સમગ્ર જિલ્લાના માર્ગો ઓછાવત્તા ધોરણે નુકશાનીથી પ્રભાવિત થયા હતા.
નવસારી જિલ્લા વિસ્તારનો કાર્યભાળ સંભાળતા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી સંજયકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ લોકોની સમસ્યાને ઝડપથી હલ કરવાના ભાગરૂપે નેશનલ હાઇવે ઓથોરીટીની ટીમ દ્વારા વરસાદ ઓછો થતા એક પણ દિવસની રાહ જોયા વગર હાઇવેની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નેશનલ હાઇવે ઓથોરીટીની ટીમ દ્વારા સમગ્ર નવસારી જિલ્લાના વિસ્તારનું ઝીંણવટપુર્વક નિરિક્ષણ કરી ખાડાઓ કે પેચવર્કની જરૂરીયાતને નોંધ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને વધારે નુકસાન થયું હોય અથવા તાત્કાલિક મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં વિવિધ એજન્સીઓને કામગીરી સોંપી ગુણત્તાયુક્ત કામગીરી પુરી કરવામાં આવી છે. આટલુ જ નહી ઉચ્ચ અધિકારીઓએ પુરા થયેલા કામોનું સ્વયં નિરિક્ષણ કરી ગુણવત્તાની ચકાસણી કરી પણ છે.
પ્રજાના હિતમાં રીપેરીંગની કામગીરી ચાલુ રાખી છેલ્લા ૧૫ દિવસમાં કુલ ૪૭.૧૦૦ કીમી વિસ્તારમાં હાઇવે મરામત કરી ગુણવત્તાયુક્ત કામગીરી સાથે વાહન વ્યવહાર માટે માર્ગ ખુલ્લો કરાયો છે. જેના કારણે નવસારી જિલ્લાની જાહેરજનતા સહિત વેપારધંધા માટે આવન જાવન કરતા નાગરિ કોમાં ખુશીનો માહોલ જોવા મળવાની સાથે ગુજરાત સરકારના ત્વરીત કામગીરીની પણ સરાહના કરી રહ્યા છે.
સારા હાઇવે હોવાથી ડ્રાઇવરોને થાક ઓછો લાગે છે તેના કારણે વધારે લંબાઇ કાપી શકીએ છે: ગાડી મેઇન્ટેનન્સ ઓછુ માંગે છે જેના કારણે ગાડી માલીકને પણ ફાયદો થાય છે.-શ્રી વિકાસ કોળી, NHAI ૪૮ પરથી પસાર થતા વાહનચાલક ભાઇ
નવસારી જિલ્લાને સ્પર્શતો નેશનલ હાઇવે નં.૪૮નો મહિનામાં ૨ થી ૩ વખત ઉપયોગ કરતા ઉત્તરપ્રદેશ રાજ્યના પ્રતાપગઢ જિલ્લાના વૈજલપુર ગામના રહેવારી ટ્રક ડ્રાઇવર શ્રી વિકાસ કોળી છેલ્લા ૦૬ વર્ષથી ભારે વાહનનું ડ્રાઇવીંગ કરી માલસામાન પહોચાડવા અર્થે લગભગ સમગ્ર દેશમા અવર જવર કરે છે. તેઓ કર્ણાટક, તમીલનાડુ, આંદ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ગુજરાત રાજ્યમાં પણ સમયાંતરે અવર જવર કરે છે.
ગુજરાત રાજ્યના હાઇવે અને ખાસ કરીને નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.૪૮ અંગે પોતાનો અભિપ્રાય આપતા પોતાની માતૃભાષા હિંદીમા સહજ રીતે જણાવ્યું હતું કે, गुजरात के हाईवे चकाचक है 'ગુજરાત રાજ્યના હાઇવે ચકાચક હોય છે. સમગ્ર ગુજરાતના હાઇવે સારા છે. હાલ વરસાદના કારણે અમુક જિલ્લાઓમા મરામત કરવી પડતી હોય છે પરંતું એકંદરે રાજ્યના હાઇવે સારા છે.
તેમણે ડ્રાઇવર તરીકે પોતાના અનુભવો જણાવતા ઉમેર્યું હતું કે, સારા હાઇવે હોવાથી ડ્રાઇવરોને થાક ઓછો લાગે છે તેના કારણે વધારે લંબાઇ કાપી શકીએ છે. ગાડી પણ મેઇન્ટેનન્સ ઓછુ માંગે છે જેના કારણે ગાડી માલીકને પણ ફાયદો થાય છે.
વિકાસભાઇ હાલ સિલવાસા સ્થિત એક પ્રાઇવેટ કંપનીમાંથી ગુજરાતના ચોટીલાના સાયલા ગામે પવનચક્ક્કી માટેનો ટાવરના પાર્ટ લઇને જઇ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, આટલુ મોટું વાહન હોવાના કારણે હોટલ ઉભા નહી રહી શકતા પરંતું ગુજરાતમાં હાઇવે પાસે મોટા વાહનો માટે પાર્કિંગ પણ સારા છે જેના કારણે અમે વાહનને સુરક્ષિત રીતે પાર્ક કરી આરામ કરી શકીએ છે. જે રાહદારી અને વાહનચાલકોની સુરક્ષા પણ વધારે છે.
અત્રે નોંધનિય છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ (NH૪૮) એ દિલ્હીને ચેન્નઈ સાથે જોડતો એક મુખ્ય ભારતીય ધોરીમાર્ગ છે. જે સાત રાજ્યોમાંથી પસાર થાય છે: દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ. તે વાણિજ્યિક અને મુસાફરો બંને માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે, જે કુલ ૨,૮૦૭ કિમી લંબાઈ ધરાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે