પાટણ, 8 જુલાઈ (હિ.સ.)પાટણના શિવ ભક્ત પિયુષભાઈ ઠક્કરે 78 દિવસમાં 1900 કિમીની કઠિન પદયાત્રા પૂર્ણ કરી છે અને સોમવારે અમરનાથ ધામમાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. તેઓ 21 એપ્રિલે પાટણથી પગપાળા અમરનાથ જવા નીકળ્યા હતા. આશરે 90 દિવસમાં યાત્રા પૂર્ણ થવાની આશા હતી, પરંતુ તેમને માત્ર 78 દિવસમાં પૂર્ણ કરી ધન્યતા અનુભવી છે.
યાત્રા દરમિયાન પિયુષભાઈને અનેક ભક્તોનો પ્રેમ અને સહકાર મળ્યો. આર્મીના જવાનો, ભંડારા ચલાવતા શ્રદ્ધાળુઓ અને શિવ ભક્તો તરફથી તેમને ખૂબ સ્નેહ મળ્યો. તેઓ ગુરુવારે ટ્રેન દ્વારા પાટણ પરત ફરશે અને તેમની પદયાત્રામાં સાથે રાખેલી દંડની પૂજા તેમના પરિવારજન દ્વારા કરાશે.
આ યાત્રામાં પિયુષભાઈએ આશરે 350 કિમી પર્વતીય માર્ગો કાપ્યા હતા અને વરસાદ સહિત અનેક પરિસ્થિતિનો સામનો કર્યો હતો. પંજાબમાં લુ લાગતા બીમાર પણ પડ્યા હતા અને એક દિવસ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, છતાં યાત્રા અટકાવી નહોતી.
ગયા વર્ષે 2024માં પણ પિયુષભાઈએ પાટણથી કેદારનાથ સુધી 1400 કિમીની પગપાળા યાત્રા કરી હતી. હવે તેમની ઈચ્છા છે કે તેઓ આવતા વર્ષોમાં 14 વર્ષમાં 14 ધામની પદયાત્રા પૂર્ણ કરે, જેમાં 12 જ્યોતિર્લિંગો, અમરનાથ તથા પશુપતિનાથ (કાઠમંડુ, નેપાળ)નો સમાવેશ થાય છે. ભગવાન શિવ પ્રત્યેની શ્રદ્ધા અને અખૂટ વિશ્વાસને કારણે તેઓ સતત આ યાત્રાઓ માટે આત્મશક્તિ મેળવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર