નવસારી, 8 જુલાઈ (હિ.સ.)-ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વાંસદા , ગણદેવી ,નવસારી અને ચીખલી તાલુકા ખાતે સરકારી સેવાઓના ઘરઆંગણે લાભ માટે વિશેષ બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો, જે અંતર્ગત આજરોજ વાંસદા તાલુકાના લીમઝર પ્રાથમિક શાળા ,ગણદેવી તાલુકાના માણેકપોર મંડળી હોલ,ચીખલીના તાલુકા ટાંકલ પ્રાથમિક શાળા અને નવસારી તાલુકાના પંચાયતની કચેરી ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો.
આ કેમ્પોમાં તાલુકાના વિવિધ ગામોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. જેમાં વાંસદા તાલુકાના ગંગપુર – ઉમરકુઇ –મીંઢાબારી – કાવડેજ – ઘોડમાળ – લીમઝર,ગણદેવી તાલુકાના સોનવાડી - માણેકપોર - વેગામ, ચીખલી તાલુકાના બોડવાંક –કાંગવઈ – ટાંકલ – વાંઝણા અને નવસારી તાલુકાના શાહુ – વછરવાડ ગામના આદિવાસી સમુદાયના ગ્રામજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તા. ૧૫ જુલાઈ સુધી શરૂ છે. આ અભિયાન હેઠળ ૧૭ જેટલા સરકારી વિભાગોની ૨૫ વ્યક્તિલક્ષી અને માળખાકીય યોજનાઓ આદિવાસી પરિવારો સુધી પહોંચી રહી છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જનધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે પીએમજેવાય, આંગણવાડી લાભ, રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે