પોરબંદર, 9 જુલાઈ (હિ.સ.) : પોરબંદર ના ઘેડ પંથકના ગરેજ ગામે રહેતા નાગાભાઈ દાસાએ ફેસબુકમાં જાહેરાત જોઈ સુરતના વેપારી સાથે સંપર્ક કર્યો હતો અને વેપારી થકી તેનું બેંકમાં રહેલું સોનુ છોડાવી વેપારી સાથે છેતરપિંડી કરી હતી જેથી સુરતથી તુષાલભાઈ નામના વેપારીએ માધવપુર આવી ફરિયાદ દાખલ કરાવી છે.
સુરતમાં રહેતા તુષાલભાઈ ખૂંટ સોનાની લે-વેચનો વ્યવસાય કરે છે અને જે લોકોએ બેંકમાં સોનુ ગીરવે મૂક્યું હોય તેની પાસેથી સોનુ વેચાતું લઈ છોડાવી આપે છે ત્યારે તેઓની ફેસબુકની જાહેરાત જોઈ ગરેજથી નાગાભાઈ દાસાએ તેમનો સંપર્ક કર્યો હતો અને પૈસાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું જેથી તુષાલભાઈએ તેના સ્ટાફના માણસોને પોરબંદર મોકલી નાગાભાઈના એકાઉન્ટમાં 11.90 લાખ જમા કરાવ્યા હતા.
નાગાભાઈએ બેન્કમાં ગીરવે મૂકેલું ગોલ્ડ છોડાવી તુષાલભાઈના સ્ટાફને દેખાડતા સ્ટાફને આ સોદામાં નુકશાની થતી હોવાનો અંદાજ આવતા પૈસા પરત માંગ્યા હતા જેથી નાગાભાઈએ વિશ્વાસ અપાવી બે દિવસમાં ગોલ્ડ ફરી બેંકમાં ગીરવે મૂકી પૈસા પરત કરવાની ખાતરી આપી હતી પરંતુ ત્યાર બાદ નાગાભાઈએ વેપારી સાથે સંપર્ક તોડી નાખ્યો હતો અને તુષાલભાઈના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા જેથી તુષાલભાઈએ પોરબંદર આવી માધવપુર પોલીસ મથકમાં નાગાભાઇ દાસા વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya