પોરબંદર, 9 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય સેવાઓને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસરકારક રીતે પહોંચાડવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે.
પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા 70 વર્ષ કે તેથી વધુ વયના વડીલ નાગરિકોને 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' હેઠળ વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી વયોવૃદ્ધ આયુષ્માન યોજના અંતર્ગત ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવવાની સેવા શરૂ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જઈને આરોગ્ય કેન્દ્ર સુધી ન પહોંચી શકતા વયોવૃદ્ધ નાગરિકોના ઘર પર જ તેમનું આયુષ્માન કાર્ડ તૈયાર કરી આપવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ ઘરે જઈને આયુષ્માન વય વંદના યોજના ચાલુ થઈ એ પહેલાથી અત્યર સુધીમાં 25,611વૃદ્ધોના કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે.
આઇ.ટી. સક્ષમ વ્યવસ્થા, ઝડપી કાર્યવાહી અને માનવીય લાગણી સાથે કરવામાં આવતી કામગીરીથી વડીલ નાગરિકોને હવે બિનજરૂરી ધક્કા નહિ ખાવા પડે અને સરકારી તથા સરકાર દ્વારા નિયત કરેલ ખાનગી હોસ્પિટલોમાં દર વર્ષે રૂ.10 લાખ સુધીની સારવાર સંપૂર્ણ રીતે વિનામૂલ્યે મળી રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya