મુંબઈ, નવી દિલ્હી, 9 જુલાઈ (હિ.સ.) આલિયા ભટ્ટના ભૂતપૂર્વ પર્સનલ આસિસ્ટન્ટ વેદિકા પ્રકાશ શેટ્ટીની, તાજેતરમાં જુહુ પોલીસે ધરપકડ કરી છે. લગભગ પાંચ મહિનાની શોધખોળ બાદ, વેદિકા પ્રકાશ શેટ્ટીની, આખરે બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તેના પર આલિયાના પ્રોડક્શન હાઉસ 'ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ' અને તેના અંગત ખાતાઓમાંથી લગભગ 77 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી મે, 2022 થી ઓગસ્ટ, 2024 વચ્ચેના સમયગાળાની હોવાનું કહેવાય છે. પોલીસે થોડા મહિના પહેલા આલિયાની માતા સોની રાઝદાન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર કેસ નોંધ્યો હતો, જેની તપાસ બાદ હવે આ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તપાસ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. પોલીસ આ છેતરપિંડીના કેસમાં આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે. આ મામલે આલિયા ભટ્ટ કે તેની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આલિયાએ 2021 માં 'ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ' ની સ્થાપના કરી હતી અને આ બેનર હેઠળ બનેલી તેની પહેલી ફિલ્મ 'ડાર્લિંગ્સ' હતી, જેને ઘણી પ્રશંસા મળી હતી. આલિયા ભટ્ટ છેલ્લે ફિલ્મ 'જીગરા' માં જોવા મળી હતી. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ 'આલ્ફા' ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે શરવરી વાઘ જોવા મળશે. તે એક એક્શન થ્રિલર હોવાનું કહેવાય છે અને તેની રિલીઝ ડેટ 25 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત આલિયા પાસે સંજય લીલા ભણસાલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'લવ એન્ડ વોર' પણ છે. આ પીરિયડ ડ્રામામાં તેની સાથે વિક્કી કૌશલ અને રણબીર કપૂર જેવા સ્ટાર્સ જોવા મળશે, જેના કારણે દર્શકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ