ભુજ - કચ્છ, 9 જુલાઈ (હિ.સ.) આગામી બીએસએફ ડે નિમિત્તે, હવે રાષ્ટ્રીય ઉજવણી કચ્છની સરહદે થશે તેવો તખતો ગોઠવાઇ ચૂક્યો છે. આ માટે સીમા દળના ડાયરેકટર જનરલે ભુજની મુલાકાત લીધી હતી અને નિરિક્ષણ કર્યું હતું. 61મા સ્થાપના દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીની આગોતરી તૈયારી આરંભી છે. પહેલી ડિસેમ્બરે આયોજીત સમારોહમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, ભારતભરમાંથી આવેલા સીમા દળના અલગ- અલગ ફ્રન્ટિયરના લગભગ બે હજાર જેટલા જવાનોની પરેડની ખાસ સલામી ઝીલશે.
સીમા દળના ડાયરેક્ટર જનરલ દલજિતસિંહ ચોધરીએ, તાજેતરમાં અહીં ઉચ્ચ કક્ષાની બેઠક યોજીને આ પ્રસંગ માટેની તૈયારીની સૂચના આપી હતી. તેમણે પરેડ માટેના સીમા દળના ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી હતી. દેશભરમાંથી 11 જેટલા કન્ટીનજેન્ટ ઉપરાંત ડોગ, ઊંટ અને તોપખાનાની ટુકડીઓને આવરી લેતી આ ભારે મહત્ત્વની પરેડને કચ્છ માટે ઐતિહાસિક બનાવવા સીમા દળે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.
લોકોમાં સરહદી જાગૃતિ લાવવાના વિશેષ પ્રયાસ
આ અગાઉ આ દિવસ રાજધાની દિલ્હીમાં મનાવાતો હતો. હવે દેશના દળો જ્યાં તૈનાત છે તેવા વિસ્તારોમાં આ ઉજવણી યોજીને લોકોને તેમાં સામેલ કરાઇ રહ્યા છે. સીમા સુરક્ષા દળે, સરહદોએ અને તેના નક્સલવાદ વિરોધી કાર્યવાહીના વિસ્તારોમાં સ્થાપાના દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવાનું શરૂ કર્યું છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે
ભુજ ખાતેની ઉજવણીમાં પરેડ ઉપરાંત વિવિધ સાંકૃતિક કાર્યક્રમોનાં આયોજન માટેની તૈયારી પણ શરૂ કરાઈ છે. સીમા દળના પશ્ચિમી વિસ્તારના વડા એડિશનલ ડી.જી. સતીષ ખંડારે અને દળના ગુજરાત ફ્રન્ટિયરના વડા ઈન્સપેક્ટર જનરલ અભિષેક પાઠક અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે દળના વડા ચૌધરીએ તૈયારી અંગે બેઠક યોજી હતી.
બીએસએફની સ્થાપના પાછળ પાકિસ્તાન કારણભૂત
1965માં કચ્છ સરહદે પાકિસ્તાની લશ્કરે હુમલો કરતાં ભારત વતી સરહદ સંભાળતા સીઆરપીએફ અને એસઆરપીએફને ભારે ખુવારી સહન કરવી પડી હતી. તેને પગલે દેશની સીમાની રક્ષા માટે ખાસ તાલીમબદ્ધ દળની રચનાની અનિવાર્યતા સામે આવી હતી અને બીએસએફની સ્થાપના થઇ હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA