સુરત, 9 જુલાઈ (હિ.સ.)- ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિજાતિની વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સેજવાડ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુનો કેમ્પ યોજાયો હતો.
સેજવાડ ખાતે યોજાયેલા કેમ્પ 18 ગામોના 700થી વધુ જરૂરીયાતમંદોએ જાતિના દાખલાઓ, વૃધ્ધ સહાય, પ્રધાનમંત્રી સન્માન યોજના હેઠળ તથા ખેતીવાડી, હળપતિ સર્વાંગી યોજના, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ, હેલ્થ ચેકઅપ કેમ્પ સહિતની 13 યોજનાઓના લાભો મેળવ્યા હતા.
આ અવસરે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. જે માટે વડાપ્રધાનએ ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન ઉપાડયું છે. છેવાડાના માનવીઓને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે કેમ્પનું આયોજન કર્યું છે. ગામનો એક પણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે કારોબારી સભ્ય કિરણભાઈ પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર, અગ્રણી જીતુભાઈ વાસીયા, સરપંચ પિંકલબેન હળપતી, વાંકાનેરના સરપંચ નિકીતાબેન, અન્ય પદાધિકારીઓ, જે તે ગામના તલાટીઓ, લાભાર્થીઓ મોટી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે