ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદેશો આપ્યા છે.
હાલ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જોકે, પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત રાજ્ય માર્ગ અને મકાન વિભાગે રસ્તાઓમાં પાણી ભરાવાના કારણે રોડ અને રસ્તાને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખી છે.
રસ્તાઓનું ધોવાણ અટકાવવા પાણીનું વહી જવું અત્યંત આવશ્યક છે. જો એક જ જગ્યાએ પાણી ભરાઈ રહે તો રસ્તાને નુકસાન પહોંચવાની શક્યતાઓ વધી જાય છે. રસ્તાઓને નુકસાન ન પહોંચે અને નાગરિકોને કોઈ અગવડતાઓ ભોગવવી ન પડે તે માટે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી.
રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા વેરાવળ, તાલાળા, ગોવિંદપરા રોડ પર સાઈડ ગટર ક્લિનિંગની કામગીરી કરવામાં આવી હતી. સાઈડ ગટર ક્લિનિંગની કામગીરીના કારણે રોડ સાઈડમાંથી પાણી વહી જાય છે અને પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી નથી.
ઉલ્લેખનીય છેકે, ચોમાસું શરૂ થયા પછી આજ દિન સુધી પાણી ન ભરાવાને કારણે આ રસ્તા પર વાહન વ્યવહારમાં કોઈ પણ પ્રકારની અગવડતા પડી નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ