જૂનાગઢ 9 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા 'જ્યાં માનવી ત્યાં સુવિધા' ના મંત્ર સાથે રાજ્યભરમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે.
શહેરોમાં ઉપલબ્ધ રોડ, રસ્તા, ગટર, બાગ- બગીચા, ઉદ્યાન સહિતની સુવિધાઓ છેવાડાના નાના ટાઉનમાં પણ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સત્તામંડળોની રચના કરવામાં આવી છે.
જે અંતર્ગત તાજેતરમાં જ સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળની પણ રચના કરવામાં આવી છે.
લોગો' એ કોઈપણ વ્યવસ્થા તંત્રની એક આગવી ઓળખ હોય છે ત્યારે, આ સત્તામંડળ માટે જરૂરી 'લોગો' ની ડિઝાઇન કરવાનું કાર્ય સૌપ્રથમ હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શનમાં આ તંત્ર સ્વતંત્ર રીતે કાર્યાન્વિત થાય તે માટે સૌપ્રથમ 'લોગો'ની ડિઝાઇન માટે જાહેર જનતા પાસેથી ડિઝાઇન આપવા માટે ઇજન આપવામાં આવ્યું છે.
પોતાના વિસ્તારની આગવી ઓળખને પ્રસ્થાપિત કરે અને 'લોગો' જોઈને આ સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ જ છે, એ પ્રકારની ડિઝાઇન તંત્રને ઈ- મેઈલ એડ્રેસ collector-girsomnath@gujarat.gov.in પર મોકલી આપવા આહવાન કરાયું છે. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ માટે પસંદગી પામેલા 'લોગો'ની ડિઝાઇનને પ્રોત્સાહક ઇનામથી પણ સન્માનિત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ