પાટણ, 9 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીએડ અને એમએસસી સહિતના અભ્યાસક્રમો ચલાવતી સાત કોલેજોમાં નિયમભંગ અને ગેરરીતિના આક્ષેપો સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અરજીઓના આધારે શરૂ કરાઈ છે, જેમાં કેટલાક કોલેજો પર મંજૂરીના નિયમો ભંગવાના આરોપ છે.
યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાના સૂચન અનુસાર ચાર સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. કમિટીમાં એક વિશેષજ્ઞ, એક વકીલ અને યુનિવર્સિટી બોર્ડના એક સભ્યનો સમાવેશ કરાયો છે. કમિટીની પ્રથમ બેઠક મંગળવારે યુનિવર્સિટીમાં યોજાઈ હતી જેમાં પ્રાપ્ત થયેલી અરજીઓ પર ચર્ચા કરવામાં આવી.
કુલપતિએ જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં કમિટી સંબંધિત કોલેજોના દસ્તાવેજોની ચકાસણી કરશે અને પછી સ્થળ તપાસ હાથ ધરશે. તપાસના આધારે રિપોર્ટ તૈયાર થશે જેના આધારે યુનિવર્સિટી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર