પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં આજે સેન્ટ્રલ વર્કિંગ કમિટીના આદેશ મુજબ 180 પોસ્ટ કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળને કારણે ટપાલ અને કુરિયર સેવાઓ સંપૂર્ણપણે બંધ રહી છે.
કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં 8મા પગાર પંચની તાત્કાલિક રચના, જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવી, તેમજ પગાર પંચમાં સ્ટાફ સાઈડની સૂચનાઓને મહત્વ આપવું શામેલ છે. ઉપરાંત, તેઓ કોવિડ સમયના મોંઘવારી ભથ્થા અને રાહતના બાકી ત્રણ હપ્તાની ચૂકવણીની પણ માંગણી કરી રહ્યા છે. પેન્શન કમ્યુટેશનનો સમયગાળો 15થી ઘટાડીને 12 વર્ષ કરવો એ પણ તેમની એક મુખ્ય માંગ છે.
અન્ય માંગણીઓમાં અનુશંપાજનક નિમણૂકો પરની 5% મર્યાદા દૂર કરવી, ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવી અને આઉટસોર્સિંગ તથા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી શામેલ છે. કેઝ્યુઅલ, કોન્ટ્રાક્ટ તથા ગ્રામીણ ડાક સેવકોને નિયમિત કરવાની પણ માંગણી કરવામાં આવી છે. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર