પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 22 જૂનથી 8 જુલાઈ 2025 દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય વિષયોની ઉજવણી સાથે વિશેષ કાર્યક્રમો યોજાયા. રાષ્ટ્રીય આંકડા દિવસ, આંતરરાષ્ટ્રીય નશીલી દવા વિરોધી દિવસ અને પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિત્તે ખાસ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડ્રોન ટેક્નોલોજી, હ્યુમન એનાટૉમી અને ક્લાઈમેટ ચેન્જ જેવા વિષયો પર વર્કશોપ યોજાયા. ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર દિવસે સ્વચ્છતા વિષયક લાઇવ પ્રવચન ડૉ. મનોજ ગુમ્બર અને ડૉ. વિષ્ણુ જોશી દ્વારા અપાયું. ગુજરાત ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે શૈક્ષણિક રમતો પણ આયોજિત થઈ. ક્વોન્ટમ ટેકનોલોજી પરના કાર્યક્રમે તો સંયુક્ત રાષ્ટ્રનું પણ ધ્યાન ખેંચ્યું હતું.
મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના 17 જિલ્લાઓમાંથી 7000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોએ ભાગ લીધો. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, કચ્છ, ઉદયપુર અને મુંબઈ જેવા શહેરો અને જિલ્લાઓમાંથી ઉમદા પ્રતિસાદ મળ્યો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસાવવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે નવી પેઢીને વૈજ્ઞાનિક રીતે સશક્ત બનાવવું એ સેન્ટરનું મુખ્ય ધ્યેય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર