'સાચો સ્વાદ’ના નામે પોતાની વફલ બ્રાન્ડ બનાવીને સુરતના તન્વીબેન જોગાણી બન્યા આત્મનિર્ભર
સુરત, 9 જુલાઈ (હિ.સ.)- સુરતના એક સામાન્ય પરિવારના તન્વીબેન જોગાણીએ પોતાના રસોડાના પરંપરાગત સ્વાદને ઉદ્યોગમાં ફેરવી આત્મનિર્ભરતા અને સફળતાની અનોખી ગાથા લખી છે. તન્વીબહેન પોતાના કૌશલ્ય તેમજ ફુડ પ્રોસેસિંગ યુનિટ માટે મદદ પૂરી પાડતી યોજના PMFME- પ્રધાનમં
Surat


સુરત, 9 જુલાઈ (હિ.સ.)- સુરતના એક સામાન્ય પરિવારના તન્વીબેન જોગાણીએ પોતાના રસોડાના પરંપરાગત સ્વાદને ઉદ્યોગમાં ફેરવી આત્મનિર્ભરતા અને સફળતાની અનોખી ગાથા લખી છે. તન્વીબહેન પોતાના કૌશલ્ય તેમજ ફુડ પ્રોસેસિંગ યુનિટ માટે મદદ પૂરી પાડતી યોજના PMFME- પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રોફુડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસના કારણે અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

સરકારની PMFME યોજના હેઠળ રૂા.નવ લાખની લોન મંજૂર થઈ અને રૂા.૩.૪૯ લાખની સબસિડી મળતા તન્વીબહેન બાળકોને પ્રિય એવા વફલ ખાદ્ય પ્રોડકટ્સ બનાવવા માટે ફુડ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને સફળતા મેળવી છે. તન્વીબેને દૈનિક ૨૦ કિલોથી વધુ લોટમાંથી વફલ બનાવે છે. માત્ર ઉત્પાદન નહીં, તેઓ પોતે માર્કેટિંગ અને વેચાણ પણ કરે છે. આ ઉપરાંત તેમણે ચાર મહિલાઓને રોજગારી પણ આપી રહ્યા છે, જેથી રોજગારી મેળવનાર મહિલાઓના પરિવારને આર્થિક આધાર પણ મળી રહ્યો છે.

તન્વી તેજસ જોગાણી કહે છે કે, મને નાનપણથી જ રસોઈ તથા અન્ય ખાદ્ય પ્રોડકટ બનાવવાનો શોખ હતો. જેથી કોરોનાકાળ દરમિયાન મેં ઘરે બેઠા વિવિધ મિલેટમાંથી સિંગલ મશીન દ્વારા વિવિધ પ્રકારના વફલ બનાવવાની શરૂઆત કરી. ઘરની આસપાસ તથા અન્ય મોટા સ્ટોલ્સ, નાના સુપર સ્ટોર્સમાં પ્રોકડટનું જાતે જ માર્કેટિંગ કરીને સેલિંગ કરતી હતી. શરૂઆતમાં દરરોજ ચારેક કિલો લોટમાંથી વફલ બનાવતી હતી. એક વર્ષ પહેલા રાજય સરકારના મિલે્ટસ મેળાની મુલાકાત લીધી, જ્યાં સ્ટોલ પરથી જિલ્લામાં નિમણુંક કરવામાં આવેલા ડિસ્ટ્રીકટ રિસોર્સ પર્સન કેયુરભાઈ પટેલ પાસેથી જાણવા મળ્યું કે, પેકિંગ થઇ શકે તેવી ખાદ્ય પ્રોકડટ્સ માટે PMFME યોજના હેઠળ રૂા.૧૦ લાખની લોન સહાય અને સબસીડી મળે છે. અહીંથી મને નવી દિશા મળી. હું ઘરે બેઠા નાનાપાયા પર મારી પ્રોડકટ બનાવતી હતી. પણ લોન સહાયથી મોટું મશીન લાવીને વ્યવસાયને ઉચાઈ પર લઈ જવાનું નક્કી કર્યું.

તેઓ કહે છે કે, મારી અરજી PMFME પોર્ટલ ઉપર ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન કેયુર પટેલ દ્વારા રજૂ કરવામાં આવી, ત્યાર બાદ આ અરજીને આ યોજનાના ડિસ્ટ્રિક્ટ નોડલ અધિકારી(DNO), નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા બાગાયત અધિકારી, પરિક્ષિત ચૌધરી દ્વારા સ્થળ ચકાસણી તથા સાધનીક કાગળો ચકાસ્યા બાદ ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીમાં રજૂ કરવામાં આવી અને આ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી, ત્યાર બાદ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂા.૯ લાખની લોન મંજૂર કરવામાં આવી. જેમાં સરકાર દ્વારા ૩૫ ટકા લેખે રૂા.૩.૪૯ની સબસીડી સહાય પણ મળી છે. લોન મળ્યા બાદ વેસુ વિસ્તારના આગમ ઓર્ચીડ પર જગ્યા લઈને ‘સાચો સ્વાદ’ બ્રાન્ડ નેમથી યુનિટ શરૂ કરીને ચોકલેટ ગ્રેન્ડીંગ મશીન, વફલ રોટરી મશીન, પેસ્ટ ફિલીંગ મશીન અને પેકિંગ મશીન વસાવ્યું. આજે હું દરરોજ ૨૦ થી ૨૫ કિલો ધઉ તથા અન્ય મિલેટ્સના લોટમાંથી ચોકલેટ વફલ,વેનિલા, મિકસ, કુકીઝ વફલ, બ્રાઉની જેવી અનેક પ્રકારની ફલેવરવાળી વફલ બનાવીને મહિને ચાર લાખનું વેચાણ કરૂ છું. શહેરના હોલસેલર તથા જૈન શોપમાં વેચાણ કરૂ છું. પ્રોસેસિંગ યુનિટમાં ચાર મહિલાઓને પણ રોજગારી આપતા હોવાનું તેઓ જણાવે છે.

તન્વીબેન કહે છે કે, વડાપ્રધાનનો ખુબ આભાર કે જેમના વિઝન થકી હું PMFME યોજના હેઠળ સહાય મેળવી શકી. મારી જેવી અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી અનેકવિધ યોજનાઓ કારણભૂત છે. ભવિષ્યમાં મારી સાથે અનેક બહેનોને જોડાઈને રોજગારી મેળવે તેવો ધ્યેય હોવાનું તેમણે કહ્યું હતું.

PMFME (પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝેસ) યોજનાનું ધ્યેય “આત્મનિર્ભર ભારત” અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકારના મિશનને તાકાત આપવાનું છે. તન્વીબેન જેવી ઉદ્યોગશીલ મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર ભારતના આધાર સ્તંભ છે. નારીશક્તિ માત્ર ઘરમાં નહીં, પણ વ્યવસાયક્ષેત્રે પણ કમાલ કરી શકે છે. તેમજ જો ઈરાદો મજબૂત હોય તો રસોડાનું કામ પણ ઉદ્યોગ બની શકે છે એ વાતને તન્વીબેને સાબિત કરી બતાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande