જામનગર/ગાંધીનગર, 9 જુલાઈ (હિ.સ.) : જામનગરની જુદી જુદી અને ધ્રોલની બેન્કના ATMમાં નાણાં નહીં ભરીને અંગત ફાયદામાં લઇને ખાનગી કંપનીના બે કસ્ટોડીયલ કર્મીએ રૂ.૩૧.૩૬ લાખની છેતરપીંડી કર્યાનું સામે આવતા આ બંનેની સામે સીટી-બી ડીવીઝનમાં પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જે સંદર્ભે બંને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ શ્યામનગર, શિતલ પાર્ક ખાતે રહેતા અને સીએમએસ ઇન્ફો સિસ્ટમ પ્રા.લી.ના બ્રાંચ મેનેજર ભાવિન ભરતભાઇ જોશી દ્વારા ગઇકાલે અહીંના સીટી-બી ડીવીઝનમાં કંપની સાથે છેતરપીંડી કરવા સબબ જામનગરના શંકરટેકરી નહેરૂનગર શેરી નં. ૧૧માં રહેતા કસ્ટોડીયલ કર્મચારી પ્રકાશ નાથાભાઇ મેરીયા અને કસ્ટોડીયલ કર્મી જામનગરના ખંભાળીયા બાયપાસ રોડ હીરાપાર્ક ખાતે રહેતા કશ્યપ ભરતભાઇ અંકલેશ્ર્વરીયા આ બંનેની સામે ભારતીય સંહીતા કલમ ૩૧૬(૩), ૩૧૬(૫), ૬૧(૨) મુજબ ફરીયાદ નોંધાવી છે.
વિગત મુજબ છેલ્લા ૭-૮ મહિના પહેલાના સમયગાળામાં ફરીયાદીની કંપનીના ઉપરોકત કસ્ટોડીયલ તરીકે નોકરી કરતા પ્રકાશ અને કશ્યપએ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી કંપની સાથે સંલગ્ન અલગ અલગ બેંકના એટીએમમાં પૈસા ભરવા અને ઉપાડવા માટે ઓથોરાઇઝડ કરેલ હતા તે નાણાંમાથી અલગ અલગ ૬ એટીએમમાંથી કુલ રૂ. ૩૧.૩૬ લાખ પૈસા ભર્યા કે પછી એટીએમમાં પૈસા ભર્યા વગર બંનેએ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઇ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી કંપની સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો.
આ અંગેની ફરીયાદ દાખલ થતા સીટી-બી પીઆઇ ઝાની સુચનાથી પીએસઆઇ જે.પી. સોઢા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જે સંદર્ભે પોલીસે બંને કર્મચારીઓની શોધખોળ કરતા મળી આવતા ધરપકડ કરી છે.
આ અંગેની વધુમાં મળેલી વિગતો મુજબ ફરીયાદીની કંપનીને અલગ અલગ જીલ્લામાં બેંકમાંથી પૈસા લઇ તેને લગત એટીએમમાં પૈસા જમા કરાવવાનો અને એટીએમમાં જે પૈસા જમા થયેલ છે તે બેન્કમાં જમા કરાવવાનો પેટા કોન્ટ્રાક આપેલ છે અને અલગ અલગ બેન્કમાંથી પૈસા ઉપાડી લગત બેન્કના એટીએમમાં જમા કરાવવાનું કામ કરે છે તેમજ નાની મોટી ખામીઓનું રીપેરીંગ કરાવે છે.
રોકડની અવર જવર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવામાં આવે ત્યારે તેની ગુપ્તતા જાળવી રાખવામાં આવે છે કંપની દ્વારા નાણાં ભરવાની વ્યવસ્થા માટે કર્મચારી નીમે છે તેના રૂટ હોય છે. અને દર બે મહીને આ રૂટનું ઓડીટ કરવામાં આવતુ હોય છે દરમ્યાનમાં એટીએમમાં રૂપીયા જમા કરાવા ગયેલા ત્યારે ઓછા નીકળેલ આ બાબતે તપાસ અને ઓડીટ કરતા આ અંગેની જાણ થઇ હતી.
લીમડા લાઇનના એસબીઆઇના એટીએમમાં ૧૬.૯૯ લાખ, દરેડ ખાતેના આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમમાં ૧૦ લાખ, દરેડની બીઓબીના એટીએમમાં ૩ લાખ, રણજીત રોડ એસબીઆઇના બેન્ક એટીએમમાં ૩૫૦૦, સાધના કોલોની એસબીઆઇના એટીએમમાં ૫૦૦, નવાગામ ઘેડ ખાતેના એટીએમમાં ૧.૩૧ લાખ અને ધ્રોલ ખાતેની બેન્કના એટીએમમાંથી રકમ ઓછી હોવાનું જાણમાં આવ્યુ હતું. હાલ પોલીસ દ્વારા ફરીયાદના આધારે તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ