ઊંઝા, 10 ઓગસ્ટ (હિ.સ.) શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા કર્મયોગી શ્રી અરવિંદભાઈ એલ. બારોટ (શ્રી જહુ માતાજી ઉપાસક) ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે તા. 10 ઓગસ્ટ 2025, રવિવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમિયાન 40મો રક્તદાન કેમ્પ યોજાયો. આ કેમ્પ પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર, વિસનગર રોડ, ઊંઝા ખાતે સફળતાપૂર્વક યોજાયો.
રક્તદાન કેમ્પમાં સેવાભાવી ભાઈ-બહેનો દ્વારા કુલ 91 બોટલ રક્તનું દાન કરવામાં આવ્યું, જે સર્વોદય બ્લડ બેંક, મહેસાણા ખાતે અર્પણ કરવામાં આવ્યું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સેવકો, ભક્તો અને દાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ પ્રસંગે પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના હોદેદ્દાર દીપકભાઈ, શ્રી જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ, રોટલાઘર પ્રમુખ અનિલભાઈ બારોટ, મંત્રી મહેન્દ્રભાઈ સથવારા તથા સેવક પરિવારના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો અને સેવાભાવના સંદેશા આપવામાં આવ્યા.
શ્રી જહુ માતાજી સેવક પરિવાર તરફથી તમામ રક્તદાતા, સેવક સમૂહ અને ભાવિક ભક્તોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR