વડોદરા ક્રેનની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત
વડોદરા, 10 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આજે એક અકસ્માતની ઘટના બની, જેમાં એક ક્રેનની બ્રેક ફેલ થતા રસ્તા પર હાહાકાર મચ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલી રાજીપો સોસાયટી પાસે રેલવે ઓવરબ્રિજ પરથી ઉતરતી વખતે ક્રેનન
વડોદરા ક્રેનની બ્રેક ફેલ થતા સર્જાયો અકસ્માત


વડોદરા, 10 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આજે એક અકસ્માતની ઘટના બની, જેમાં એક ક્રેનની બ્રેક ફેલ થતા રસ્તા પર હાહાકાર મચ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, કરજણ નવાબજાર વિસ્તારમાં આવેલી રાજીપો સોસાયટી પાસે રેલવે ઓવરબ્રિજ પરથી ઉતરતી વખતે ક્રેનની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ. બ્રિજ પરથી ઉતરતી ક્રેન અચાનક કાબૂ બહાર જતા સીધી સોસાયટીના વીજ ડીપીના પોલ સાથે ટકરાઈ ગઈ. અકસ્માત એટલો જોરદાર હતો કે વીજ ડીપીનો પોલ તૂટી પડ્યો અને આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે વીજ પુરવઠો બંધ થયો.

અકસ્માત સમયે ક્રેનનો ડ્રાઈવર કોઈ રીતે બહાર નીકળી જવા સફળ રહ્યો, જેના કારણે જાનહાની ટળી ગઈ. ઘટનાસ્થળે આસપાસના રહેવાસીઓ ભેગા થઈ ગયા અને ક્રેનને જોવા માટે ભીડ ઉમટી પડી. અકસ્માતને પગલે કરજણ પોલીસ તથા વીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો અને ક્રેનને સાઈડ પર હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ.

પ્રાથમિક તપાસ મુજબ, ક્રેન બ્રિજ પરથી ઉતરતી વખતે બ્રેક સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. તેમ છતાં, સાચું કારણ જાણવા માટે ક્રેનની મશીનરીની ચકાસણી કરાશે. વીજ ડીપીના પોલને નુકસાન થતા વીજ વિભાગે તાત્કાલિક મરામત કાર્ય શરૂ કરી દીધું છે જેથી વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય.

આ ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોની ટેકનિકલ તપાસ અને મેન્ટેનન્સની જરૂરીયાત પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઇજા થઈ નથી, પરંતુ સંપત્તિને થયેલા નુકસાન તથા લોકોને પડેલી અસુવિધાએ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya


 rajesh pande