અમરેલી ,10 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોનું વધતું વળતરઅમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોનું વધતું વળતર
18987 એકર વિસ્તારમાં ઝેરમુક્ત ખેતી — 9364 ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અમરેલી જિલ્લો કૃષિ ક્ષેત્રમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યો છે. પરંપરાગત રાસાયણિક ખાતર અને જંતુનાશક આધારિત ખેતીમાંથી બહાર આવીને હવે અહીંના મોટા પ્રમાણના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. આ માત્ર પર્યાવરણની રક્ષા અને જમીનની ઉર્વરતા જાળવવા માટે જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીને નિરામય ખોરાક ઉપલબ્ધ કરાવવા માટે પણ મહત્વપૂર્ણ પગલું છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશભાઈ કાનાણી જણાવે છે કે અમરેલી જિલ્લામાં હાલ 17,118 ખેડૂતો મળીને 18,987 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ખેડૂતોને માર્ગદર્શન, તાલીમ અને પ્રોત્સાહન આપવા માટે નિયમિત નિદર્શન, ફિલ્ડ વિઝિટ તથા ગામ સ્તરે મીટીંગો યોજવામાં આવે છે.
દેશી ગાય નિભાવ ખર્ચ યોજના ખેડૂતોને સીધી મદદ પ્રાકૃતિક ખેતીનો આધાર દેશી ગાય છે. ગાયનું છાણ અને ગૌમૂત્ર પ્રાકૃતિક ખાતર અને જૈવિક જંતુનાશક બનાવવા માટે મહત્વપૂર્ણ ઘટકો છે. આ હેતુસર રાજ્ય સરકારની દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ અમરેલી જિલ્લાના 9,364 લાભાર્થી ખેડૂતોને કુલ ₹10 કરોડ 11 લાખની સહાય આપવામાં આવી છે.
આ સહાયથી ખેડૂતો પોતાના પશુપાલન ખર્ચમાં રાહત મેળવી રહ્યા છે, જેના પરિણામે તેઓ પ્રાકૃતિક ખેતીની દિશામાં વધુ મજબૂતીથી આગળ વધી શકે છે.
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સતત પ્રયત્ન ખેતીવાડી શાખા અને આત્મા પ્રોજેક્ટ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લાના 592 ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ખેડૂત ગ્રુપ મીટીંગ ,રાત્રિ સભા
પ્રદર્શન ખેતરોની મુલાકાત
આ માર્ગોથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા, ટેક્નિક અને પ્રાયોગિક ઉપયોગ અંગે સમજ આપવામાં આવી રહી છે.
પ્રાકૃતિક ખેતી એ પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત ખેતી પદ્ધતિ છે, જેમાં રાસાયણિક ખાતરો અને ઝેરનો ઉપયોગ ટાળવામાં આવે છે. પાક ઉત્પાદન માટે જરૂરી ઇનપુટ બહારથી ખરીદવાની જગ્યાએ ખેડૂત પોતે જ ગાયના છાણ, ગૌમૂત્ર, દૂધ, છાશ અને અન્ય પ્રાકૃતિક ઘટકો વડે જૈવિક દ્રાવણો અને ખાતરો તૈયાર કરે છે.
મુખ્ય ઘટકો: જીવામૃત: ગાયના છાણ-ગૌમૂત્ર, ગુડ, ચણાનો લોટ વગેરે વડે બનાવાતું પોષક દ્રાવણ
ઘનજીવામૃત: જમીનમાં નાખવા માટેનું પ્રાકૃતિક ખાતર અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર: જૈવિક જંતુનાશક દ્રાવણો
આ પદ્ધતિ પાકની વૃદ્ધિ માટે જરૂરી સૂક્ષ્મજીવોને સક્રિય રાખે છે, જમીનની ઉર્વરતા જાળવે છે અને પાણીના ઉપયોગમાં ઘટાડો કરે છે.
ઓછો ખર્ચ: રાસાયણિક ખાતર-ઝેરના ખર્ચમાં મોટી બચત જમીનનો જીવંત પોષણ ચક્ર જળવાઈ રહે સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન: ઝેરમુક્ત અનાજ, ફળ, શાકભાજી પર્યાવરણને અનુકૂળ: માટી, પાણી અને હવાના પ્રદૂષણમાં ઘટાડો
પશુપાલનને પ્રોત્સાહન: ગાય આધારિત ખેતીથી પશુઓનું મહત્વ વધે
અમરેલીના અનેક પ્રગતિશીલ ખેડૂતોના જણાવ્યા અનુસાર, પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા બાદ પાકની ગુણવત્તામાં સુધારો થયો છે, બજારમાં ઉત્પાદનને પ્રીમિયમ ભાવ મળવા લાગ્યા છે અને જમીનની નરમાશ તથા પોષક તત્વોમાં વધારો થયો છે.
શરૂઆતમાં થોડી મહેનત અને ધીરજ જરૂરી છે, પરંતુ એક-બે સીઝનમાં જ તેનો ફાયદો દેખાવા લાગે છે. હવે બજારમાં અમારા ઉત્પાદનને ઝેરમુક્ત ખેતીના કારણે વધુ માંગ છે.
અમરેલી જિલ્લામાં ચાલી રહેલું આ પ્રાકૃતિક ખેતી અભિયાન માત્ર એક ખેતી પદ્ધતિ નહીં, પરંતુ એક સસ્તું, ટકાઉ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફનો માર્ગ છે. ઓછી કિંમતમાં ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન, જમીનની ઉર્વરતા જાળવવાનું વચન અને પર્યાવરણનું સંરક્ષણ — આ ત્રણેય હેતુઓ સાથે આ અભિયાન આગામી પેઢી માટે સીમાચિન્હરૂપ સાબિત થશે.
સરકારી સહાય, ખેડૂતોનો ઉત્સાહ અને તંત્રનો માર્ગદર્શન આ ત્રિએકીય પ્રયાસોથી અમરેલી જિલ્લો ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો આગેવાન બનતો જાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai