- આર્મી કમાન્ડરોને તેમના પોતાના નિર્ણયો લેવા અને તેમના વિવેકબુદ્ધિ અનુસાર કામ કરવામાં મદદ મળી
નવી દિલ્હી, 10 ઓગસ્ટ (હિ.સ.). આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, ઓપરેશન 'સિંદૂર' એ આખા દેશને એક સાથે બાંધી દીધો છે, કારણ કે પાકિસ્તાન સાથેના હવાઈ સંઘર્ષ દરમિયાન, સરકારે અમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. પહેલી વાર અમે રાજકીય સ્પષ્ટતા જોઈ. કોઈપણ પ્રકારના પ્રતિબંધના અભાવે આર્મી કમાન્ડરોને તેમના પોતાના નિર્ણયો લેવા અને તેમના વિવેકબુદ્ધિ અનુસાર કામ કરવામાં મદદ કરી.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ, 4 ઓગસ્ટના રોજ આઈઆઈટી મદ્રાસ ખાતે એક કાર્યક્રમ દરમિયાન આ ટિપ્પણી કરી હતી, જેની સત્તાવાર માહિતી રવિવારે સેના દ્વારા આપવામાં આવી હતી. ઓપરેશન અંગે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કહે છે કે, 22 એપ્રિલે પહેલગામમાં જે બન્યું તેણે આખા દેશને હચમચાવી નાખ્યો. હુમલાના બીજા દિવસે એટલે કે 23 એપ્રિલે અમે બધા સાથે બેઠા હતા. આ પહેલી વાર હતું જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, 'બસ હવે બહુ થયું.' ત્રણેય સેનાના વડાઓ ખૂબ જ સ્પષ્ટ હતા કે કંઈક તો કરવું જ પડશે. શું કરવું તે નક્કી કરવા માટે સરકારને સ્વતંત્રતા હતી. આ પ્રકારનો આત્મવિશ્વાસ, રાજકીય દિશા અને રાજકીય સ્પષ્ટતા પહેલી વાર જોવા મળી.
રાજકીય નેતૃત્વની સ્પષ્ટતાએ આપણા આર્મી કમાન્ડર-ઇન-ચીફને જમીન પર રહીને તેમની બુદ્ધિ મુજબ કામ કરવામાં મદદ કરી. 25 એપ્રિલે, અમે ઉત્તરી કમાન્ડની મુલાકાત લીધી જ્યાં અમે વિચાર્યું, આયોજન કર્યું, કલ્પના કરી અને હુમલો કર્યો જેમાં 9 માંથી 7 લક્ષ્યોનો નાશ થયો અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી, 29 એપ્રિલે, અમે પહેલી વાર વડા પ્રધાનને મળ્યા. ઓપરેશન 'સિંદૂર' એ આખા દેશને એકસાથે લાવ્યો તે મહત્વપૂર્ણ છે. આ એવી વસ્તુ છે જેણે આખા દેશને પ્રેરણા આપી. એટલા માટે આખો દેશ કહી રહ્યો હતો કે તમે તેને કેમ રોક્યું? આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો હતો અને તેનો પૂરતો જવાબ આપવામાં આવ્યો છે.
આઈઆઈટી મદ્રાસ ખાતેના પોતાના સંબોધન દરમિયાન આર્મી ચીફે કહ્યું કે, ઓપરેશન 'સિંદૂર' માં અમે શતરંજ રમ્યા હતા. અમને ખબર નહોતી કે દુશ્મનનું આગામી પગલું શું હશે અને અમે શું કરવાના છીએ. આને ગ્રેઝોન કહેવામાં આવે છે, જેનો અર્થ એ છે કે, આપણે પરંપરાગત ઓપરેશન નથી કરી રહ્યા. આપણે જે કરી રહ્યા છીએ તે પરંપરાગત ઓપરેશન કરતા થોડું ઓછું છે. આપણે ચેસની ચાલ રમી રહ્યા હતા અને તે (દુશ્મન) પણ ચેસની ચાલ રમી રહ્યો હતો. ક્યારેક આપણે તેમને ચેકમેટ કરી રહ્યા હતા, ક્યારેક આપણે આપણા જીવ ગુમાવવાના જોખમે તેમના પર હુમલો કરી રહ્યા હતા, પરંતુ આ જીવનનો વાસ્તવિક અર્થ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિત નિગમ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ