પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.)બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં વર્ષ દરમિયાન અનેક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાઈ. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત કલામહાકુંભમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી લોક નૃત્યમાં પ્રથમ તેમજ રાસ અને એક પાત્રીય અભિનયમાં દ્વિતીય સ્થાન મેળવી ગૌરવ મેળવ્યું. શિક્ષિકા હિમાનીબેન પટેલ અને કુસુમબેન પટેલે માર્ગદર્શન આપી મુખ્ય ભૂમિકા ભજવી.
શાળામાં સંસ્કૃત સપ્તાહનું ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા અને વિવિધ પ્રવૃત્તિઓ, દ્વિતીય દિવસે સંસ્કૃત સંભાષણ દિન, તેમજ તૃતીય દિવસે સંસ્કૃત સાહિત્ય દિન અંતર્ગત સાહિત્ય પ્રદર્શન, પ્રાર્થના પાઠ, નિબંધ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું.
ધોરણ 3 અને ધોરણ 6માં નવા પ્રવેશ મેળવનાર બાળકોને દાતાશ્રી દ્વારા ડ્રેસ વિતરણ કરવામાં આવ્યું. આ સાથે જ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી.
શાળામાં રક્ષાબંધન તહેવારની ઉજવણી ભાઈ-બહેનના મીઠા સંબંધો પૂરતી મર્યાદિત ન રાખતાં, સમગ્ર માનવજાતમાં પ્રેમ અને રક્ષણના સંદેશ સાથે કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર