પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.)વાળીનાથ ચોક ખાતે અલખકૃપા સેવા ટ્રસ્ટ અને પાટણ નગરપાલિકાના સહયોગથી સફાઈ અભિયાન યોજાયું, જેમાં પ્રમુખ વિનોદ દેસાઈ, ભૂધરભાઈ શિરવાડિયા અને જાગૃત નાગરિકોએ શ્રમદાન કર્યું. ઝાડી-ઝાંખરા, ગંદકી અને ખાડાઓ દૂર કરી સ્વચ્છતા જાળવવા બેનરો લગાવાયા, તેમજ કચરો ફેંકનારને ₹500 દંડની ચેતવણી આપવામાં આવી.
જય વાળીનાથ ચોક વિસ્તાર સંગઠન દ્વારા ભાટિયા સમાજની વાડીમાં બેઠક યોજાઈ, જેમાં લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નો પર ચર્ચા થઈ. પરશુરામ ચોક, વ્રજધામ નાળા અને રાજપૂત છાત્રાલય પાસે કચરો ફેંકાતો હોવાથી ગંદકી અને રખડતા પશુઓની સમસ્યા વધી રહી છે, જેના કારણે નાગરિકો અને શાળાના બાળકો મુશ્કેલી અનુભવે છે.
પરશુરામ ચોકનું નાળું જર્જરિત હાલતમાં છે અને વાળીનાથ ચોક પાસે નહેર તથા દુકાનોની આસપાસ દબાણ થયેલું છે. નાગરિકોએ આ દબાણ દૂર કરી અવરજવર સરળ બનાવવા તેમજ વિસ્તારને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા નગરપાલિકાની સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર