સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.)-વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર રેલવે ચોકડી ફાટકનું લોકાર્પણ કરી ટુ વે રસ્તા પર આવાગમન માટે વાહનોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
હજીરા કાંઠા વિસ્તારના મોરા, દામકા, ભટલાઈ, સુંવાલી, રાજગરી, જુનાગામ, વાંસવા, હજીરા અને ડુંગરડી સહિતના 9 ગામોના તેમજ હજીરા સ્થિત વિવિધ ઔદ્યોગિક એકમોના કર્મચારીઓને રસ્તો ખૂલ્લો મૂકાવાથી રોજિંદા વાહનવ્યવહારમાં સુગમતા થશે.
આ પ્રસંગે વનમંત્રીએ જણાવ્યું કે, 40 વર્ષ જૂનો બંધ રસ્તો ફરી ખુલ્લો મૂકાવાથી ટ્રાફિક અને અકસ્માતની ગંભીર સમસ્યાથી લોકો, વાહનચાલકોને મુક્તિ મળશે. ખાસ કરીને રાત્રિના સમયમાં ભારે વાહનોને કારણે થતા અકસ્માતમાં ઘટાડો થશે.
તેમણે કહ્યું કે, સ્થાનિક વિસ્તારમાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોને કારણે ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી લાંબા સમયથી અહીં વસતા સ્થાનિકો તેમજ ધંધાદારીઓને ખૂબ મુશ્કેલી થતી હતી. તેમજ ભારે વાહનોને કારણે રસ્તા પર ખાડા પડવાથી અને ઓવરબ્રિજ માત્ર પલસાણા જતા વાહનો માટે હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવતી હતી.
નેશનલ હાઈવે ઓથોરિટી, રેલવે વિભાગ, વિવિધ ઔદ્યોગિક એકમો તેમજ સુરત મહાનગર પાલિકાના સહયોગથી આ રસ્તાને ખુલ્લો મૂકવાથી બંને બાજુનો રસ્તો પુન: કાર્યરત થયો છે એમ જણાવી તમામ વિભાગોને લોકસમસ્યાના ઉકેલ બદલ અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે ચોર્યાસી તા.પં. પ્રમુખ તૃપ્તિબેન પટેલ, સંગઠન મહામંત્રી કિશનભાઈ પટેલ, ટ્રાફિક એસીપી મોઈન શેખ, ઈચ્છાપોર પીએસઆઈ એ.સી.ગોહેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે