ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) પર્યાવરણ જાળવણીના ઉદ્દેશને ધ્યાનમાં રાખતાં ‘મિશન લાઈફ અભિયાન’ના અસરકારક અમલીકરણ માટે જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ‘મિશન લાઈફ અભિયાન’ અંતર્ગત આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરએ ઉપસ્થિત સર્વેને જણાવ્યું હતું કે, ‘મિશન લાઈફ અભિયાન’ નો મુખ્ય હેતુ જિલ્લાના નાગરિકો તેમજ ભવિષ્યની પેઢીને ઉર્જા બચતનું મહત્વ સમજાવવું તેમજ પર્યાવરણ સંવર્ધન થકી રોજિંદી જીવનશૈલીને વધુ ઉત્તમ બનાવવા માટે પ્રેરિત કરવાનો છે. આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી શકે તે માટે આ અભિયાનમાં નાગરિકોની મહત્તમ ભાગીદારી જરૂરી છે.
કલેક્ટરએ વધુમાં પર્યાવરણ જાળવણી અંતર્ગત જિલ્લામાં ચાલતા અભિયાનનો ઉલ્લેખ કરી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા વિશે જનજાગૃતિ અભિયાન, ‘માય થેલી અભિયાન’, કચરાનો યોગ્ય નિકાલ અને તેનું સુવ્યવસ્થાપન, ‘પ્રાકૃતિક ખેતી’, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા જાડા ધાન્યના ઉપયોગ સહિત નાગરિકોની જીવનશૈલી પર્યાવરણ અનુરૂપ બને તે દિશામાં અભિયાનની અસરકારક કામગીરી થાય તે વિશે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
‘મિશન લાઈફ’ અભિયાનના કો-ઓર્ડિનેટર આશુતોષ રાવલે જણાવ્યું હતું કે, મિશન લાઈફ અંતર્ગત યોજાતા સેમિનારોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઉર્જા બચતનું મહત્વ સમજાવવાનો તેમજ નાગરિકોને ટકાઉ પર્યાવરણ વિશે જાગૃત કરવાનો તેમજ અભિયાનમાં સ્થાનિક નાગરિકોની બહોળી ભાગીદારીથી પર્યાવરણના સંતુલિત અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
રાવલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ‘ઉર્જા બચત’,’સોલાર ઉર્જા, પવન ઉર્જા, હાઈડ્રો અને બાયો એનર્જી’ની ભૂમિકા, પ્રાકૃતિક સંશાધનોનો યોગ્ય દિશામાં ઉપયોગ, ખેડૂતો અને ગ્રામ્ય સમૂદાયો માટે કરવાની થતી પ્રવૃત્તિઓ, વર્ષા જળસંગ્રહ, પરંપરાગત સિંચાઈ પદ્ધતિઓના બદલે આધુનિક પદ્ધતિઓ, વેસ્ટ મેનેજમેન્ટ સેમિનાર, ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ, જાડા ધાન્ય આધારિત ઉદ્યોગ માટે સબસિડી, સેલ્ફ હેલ્પ ગૃપ, પ્લાસ્ટિક પ્રતિબંધની નીતિઓ, સલામત રિસાઈકલિંગની પદ્ધતિઓ, નાટક, સ્પર્ધાઓ, તાલિમ સહિતના આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો વિશે ઉપસ્થિત સર્વેને સમગ્ર ચિતાર આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મિશન લાઈફ અંતર્ગત જિલ્લાના નાગરિકોને સેમિનાર અને પ્રચાર-પ્રસારના માધ્યમથી ઘર અને શાળામાં ઉર્જા બચતના સરળ ઉપાયો, એલ.ઈ.ડી. ડિસ્ટ્રિબ્યૂશન કાર્યક્રમ ઉજાલા, ‘જળશક્તિ અભિયાન’, નેશનલ સોલાર મિશન સહિતની સરકારી યોજનાઓ અને નીતિઓ અંગે જાગૃત કરવામાં આવશે. જેથી વિવિધ પદ્ધતિઓથી માહિતગાર થઈ અને નાગરિકોમાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતિ, સ્વચ્છતા અને આરોગ્ય પ્રતિ જનચેતનાનો સંચાર થઈ શકે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા, પુરવઠા અધિકારી પારસ વાંદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) અજય શામળા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા, યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ, જૂનાગઢના એસ.બી.પરમાર, ખેતીવાડી અધિકારી સી.આર.પટેલ તેમજ ‘મિશન લાઈફ’ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ