મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.)
ફતેહપુરા ગામ ખાતે ભવ્ય યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન – “વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર નિર્માણ” ના સંકલ્પ સાથે
મહેસાણા જિલ્લાના ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ફતેહપુરા ગામ ખાતે માનનીય ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરીની આગેવાની હેઠળ “વ્યક્તિ વિકાસથી રાષ્ટ્ર નિર્માણ” અને “વિકસિત ગુજરાત, વિકસિત ભારત” ના સંકલ્પ સાથે ભવ્ય યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો. ગ્રામ્ય કક્ષાનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને પ્રેરણાદાયક રહ્યો.
આ કાર્યક્રમ GCMMF તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગ આદર્શ વિધાનસભા તરફનું પ્રથમ પગલું બનીને હવે ગુજરાતના ગામે ગામને યોગમય બનાવવાની યાત્રા શરૂ કરશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મહેસાણા જિલ્લા ટીમની સક્રિય હાજરી સાથે આસપાસના 200 ગામોમાંથી 1000થી વધુ ખેડૂત અને ગ્રામજનો કાર્યક્રમમાં જોડાયા. ઉપસ્થિતોને યોગના આરોગ્યલાભ અને જીવનશૈલીમાં તેના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ ગ્રામ્ય યુવાનોને યોગ શિક્ષક બની સમાજસેવામાં જોડાવા માટે પ્રેરણા પણ આપવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR