અમરેલી, 10 ઓગસ્ટ (હિ.સ.) સાવરકુંડલાના જેસર રોડ પંથકના ગામડાઓમાં આજે સવારથી માવઠા જેવા વરસાદે અચાનક હાજરી આપી હતી. ખાસ કરીને વાંશીયાળી, ઠવી અને ભમોદરા ગામોમાં ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ. અવિરત 27 દિવસથી વરસાદ ન પડતાં ખેડૂતો ચિંતિત હતા અને પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે હાશકારો આપતો આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે.
ખેડૂતો જણાવે છે કે આ વરસાદથી ખાસ કરીને મગફળી, કપાસ અને તિલના પાકને નવી તાજગી મળશે, જમીનમાં ભેજ વધશે અને આગામી દિવસોમાં પાકના વિકાસમાં ઝડપ આવશે. લાંબા વિરામ બાદ વરસેલા આ પાણીથી બોરવેલ અને કૂવામાં પણ પાણીનો સ્તર થોડીક અંશે સુધરવાની શક્યતા છે.
તેમ છતાં, પંથકના 3-4 ગામડાઓમાં હજુ વરસાદ ન પડતાં ત્યાંના ખેડૂતોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે.
તેઓ આશા વ્યક્ત કરે છે કે, આવનારા દિવસોમાં આકાશ ફરી મેઘાચ્છન્ન બની સમગ્ર વિસ્તારમાં સરસ વરસાદ વરસે અને ખેતીને નવી જીવંતતા મળે. કુલ મળીને આજે પડેલા વરસાદે સાવરકુંડલાના મોટાભાગના ખેડૂતોના ચહેરા પર લાંબા સમય બાદ સ્મિત લાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai