મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત રાજ્યમાં 11થી 15 ઓગસ્ટ 2025 દરમિયાન વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગે હળવેથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના કચ્છ, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે.
16 ઓગસ્ટ 2025 માટેની આગાહી મુજબ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ અમુક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગે ખેડૂતો અને નાગરિકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવા તેમજ જરૂરી તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR