અમરેલી, 10 ઓગસ્ટ (હિ.સ.): અમેરિકા દ્વારા લાદવામાં આવેલા “ટેરિફ ટેરેરીઝમ” સામે અમરેલીમાં આવતીકાલે એક મોટો મોરચો મંડાવાનો છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબાર આ કાર્યક્રમની આગેવાની સંભાળશે.
આ કાર્યક્રમ અંતર્ગત કાલે સોમવાર, સવારે 11 વાગે રાજકમલ ચોક, અમરેલી ખાતે અમેરિકન ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવશે. આ પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા સામે ઝૂકવા ઇનકારના નિર્ણયને સમર્થન આપવા માટે આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં દિલીપ સંઘાણી, નારણભાઈ કાછડીયા, બાવકુભાઈ ઊંઘાડ, ડો. ભરત કાનાબાર, અશ્વિન સાવલિયા, પી.પી. સોજીત્રા સહિત શહેરના વેપારીઓ, ડોક્ટરો, વકીલો, મહિલાઓ તથા યુવાનો મોટી સંખ્યામાં હાજરી આપશે.
ડો. ભરત કાનાબારે પોતાના ટ્વીટ મારફતે અમેરિકન ઉત્પાદનોના બોયકોટનું એલાન કરી સમગ્ર શહેરને કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai