મહેસાણા , 10 ઓગસ્ટ (હિ.સ.) : આજ રોજ મહેસાણા તાલુકાના હરીપુરા ગામે મામલતદારશ્રી તથા તંત્રના અન્ય અધિકારીઓએ મુલાકાત લીધી. આ પ્રસંગે તેમણે ગામની પ્રાથમિક શાળા અને પંચાયત ઘરની કામગીરી તથા સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી, શિક્ષણની ગુણવત્તા, અભ્યાસક્રમનું અમલીકરણ તેમજ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી. શિક્ષકો સાથે ચર્ચા કરી બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ત્યારબાદ પંચાયત ઘરની મુલાકાત દરમિયાન ગામના વિકાસ કાર્યો, સરકારી યોજનાઓના અમલીકરણ, સ્વચ્છતા, પાણી પુરવઠો અને જાહેર સુવિધાઓની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. અધિકારીઓએ પંચાયતના સભ્યો સાથે બેઠક કરીને ગામના પ્રાથમિક પ્રશ્નો, વિકાસ યોજનાઓ અને આવશ્યકતાઓ અંગે વિચારવિમર્શ કર્યો.
મામલતદારશ્રીએ તંત્ર દ્વારા ગામના હિતમાં સતત સહકાર આપવાની ખાતરી આપી તથા ગામના લોકો સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી. આ મુલાકાતમાં તંત્રના અન્ય અધિકારીઓ, પંચાયતના સભ્યો તથા ગામજનો ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR