પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેરની વ્રજભૂમિ સોસાયટી, વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા જિગરભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિના ઘરમાં અજાણ્યા ચોરે કુલ ₹1,42,400ના મુદ્દામાલની ચોરી કરી છે. જિગરભાઈ ગાંધીનગરમાં માર્કેટિંગનો વ્યવસાય કરે છે.
ચોરાયેલા સામાનમાં ₹50,000ની 10 ગ્રામની સોનાની ચેઈન, ₹15,000ની 5 ગ્રામની સોનાની વીંટી, ₹2,500નું સોનાનું પેન્ડલ અને ₹1,000નો ચાંદીનો સિક્કો સામેલ છે. ઘરવખરીમાંથી ₹16,000નું ગૉદરેજ કંપનીનું ફ્રિજ, ₹2,900નો ભરેલો ગેસ સિલિન્ડર, ₹1,500નો તાંબાના બેડાનો સેટ, ₹30,000ની 25 જેટલી સાડીઓ અને ₹1,500ના એલ્યુમિનિયમ-સ્ટીલના ડબ્બા પણ ચોરાયા છે.
તે ઉપરાંત, ફ્લેટના પાર્કિંગમાંથી રૂ 4,000ની મોટરસાઇકલ (નંબર GJ 24 BL 2810) પણ ચોરી થઈ છે. જિગરભાઈ પ્રજાપતિએ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર