સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.)-પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવા માટે આજે ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં 'પોલીસ-સરપંચ પરિસંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાનો છે. આ માટે દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ કરશે.
આજે સવારે 11:30 કલાકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાશે.
આ કાર્યક્રમમાં સરપંચોને તેમના પ્રશ્નો રજૂ કરવા, સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સૌ સાથે મળીને એક આદર્શ ગ્રામ્ય પોલીસિંગનું નિર્માણ કરી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે