ગૃહરાજ્ય મંત્રીના હસ્તે શ્રેષ્ઠ પોલીસકર્મીઓ તેમજ ચિત્ર, ઓડિયો- વિડિયો સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા
સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.)-ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના હેતુથી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કામરેજ સ્થિત ખોલવડ કોલેજના દલપતરામા ભવન ખાતે ૫૯ ગામના સરપંચો, ઉપસરપંચો સાથે પરિસંવાદ યોજાયો હતો.
ગૃહરાજ્ય મંત્રીના હસ્તે શ્રેષ્ઠ પોલીસકર્મીઓ તેમજ ચિત્ર, ઓડિયો- વિડિયો સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા


સુરત, 10 ઓગસ્ટ (હિ.સ.)-ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના હેતુથી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કામરેજ સ્થિત ખોલવડ કોલેજના દલપતરામા ભવન ખાતે ૫૯ ગામના સરપંચો, ઉપસરપંચો સાથે પરિસંવાદ યોજાયો હતો.

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ગામના વિકાસ, શાંતિ અને સુખાકારી માટે સરપંચ અને પોલીસ બંને ખભે ખભા મિલાવીને કાર્ય કરે તે અતિ આવશ્યક છે. ગામના સરપંચો ગામના મોભી તરીકેની જવાબદારીને સમજી પ્રત્યેક ગ્રામજનની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સક્રિય બને. સરપંચ માત્ર ચૂંટણી જીતનાર વ્યક્તિ નથી, પરંતુ ગામે આપેલા વિશ્વાસ અને માનનો સાચો હકદાર છે.

સરકારની યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચાડવો, ગામના લોકોને સંગઠિત કરવા અને સામૂહિક સમસ્યાઓનો ઉકેલ લાવવા સરપંચોને પ્રેરિત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, નાના, છેવાડાના ગામના સરપંચો ગામની જરૂરિયાતો, પ્રશ્નો અંગેની રજૂઆત અમારા સુધી લઈને આવે છે. આ પ્રકારના લોકાભિમુખ સરપંચો ગ્રામજનોના હૃદયમાં વસે છે. ગામના હિત માટે સતત પ્રયત્ન કરવો, લોકોના દિલમાં સ્થાન બનાવવું અને ગ્રામવિકાસની કામગીરીમાં આગેવાની લેવી એ સાચા અર્થમાં સરપંચની ઓળખ છે.

મંત્રીએ ઉમેર્યું કે, ગામના નાગરિકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની સાથે, અસામાજિક તત્ત્વો સામે પોલીસની મદદથી યોગ્ય પગલા લેવા સરપંચો, ઉપસરપંચો જાગૃત્ત બને. બહેન-દીકરીઓ સાથે છેડછાડ કરનારાઓ, નશીલા પદાર્થો વેચનારાઓ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસને તાત્કાલિક માહિતી આપવી એ દરેક સરપંચની ફરજ છે. આવા સંકલનથી નાના-મોટા ગુનાઓ ઝડપથી ઉકેલાશે, ન્યાય ઝડપથી મળશે અને સુરક્ષાનું વાતાવરણ મજબૂત બનશે.

પોલીસ, સરપંચ તેમજ ગ્રામજનો વચ્ચેના સતત સંવાદ અને તાલમેલ ગામમાં ગુનાખોરી રોકવામાં અસરકારક છે એવો મત વ્યક્ત કરતા મંત્રીએ કહ્યું કે, પોલીસ-પ્રજા વચ્ચેનું અંતર દૂર કરવું એ 'પોલીસ-સરપંચ પરિસંવાદ' અભિયાનનો મુખ્ય હેતુ છે. અવિરતપણે સંકલન અને સંવાદથી ગ્રામ્ય વિસ્તારમાં સુરક્ષાનું મજબૂત તંત્ર ઉભું થશે.

સુરક્ષિત વાતાવરણ ગ્રામીણ વિકાસ માટે પાયાનું કામ કરે છે. સરપંચ અને ઉપસરપંચની સક્રિય ભૂમિકા ગામને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવામાં નિર્ણાયક સાબિત થાય છે. એટલે જ ગામના વિકાસ, શાંતિ અને સુખાકારી માટે સરપંચ અને પોલીસ બંને ખભે ખભા મિલાવીને કાર્ય કરે તે સમયની માંગ છે એમ સંઘવીએ જણાવ્યું હતું.

સુરત વિભાગ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહે જણાવ્યું હતું કે, ગામના પાયાના પ્રતિનિધિ તરીકે સરપંચો પોલીસ વિભાગ સાથે સતત સંપર્કમાં રહેશે તો ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે. સરપંચોએ ગ્રામસભામાં સંવાદસેતુ, જાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ.

આ વેળાએ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે મજબૂત સંબંધો સ્થાપિત કરવામાં સરપંચ એક સેતુરૂપ ભૂમિકા ભજવી શકે એ માટે સરપંચોએ તેમના પ્રશ્નો રજૂ કરવા, સુધારાના સૂચનો આપવા અને પોલીસ સાથે સક્રિય સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉતમ કામગીરી બજાવનાર પોલીસકર્મીઓને પણ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. ચિત્ર સ્પર્ધા, ઓડિયો- વિડિયો સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે જિ. પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા, જિ. વિકાસ અધિકારી શિવાની ગોયલ, સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોયસર, ડીવાયએસપી આર.આર. સરવૈયા, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ સહિતના વિવિધ ગામોના સરપંચ- ઉપસરપંચો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande