પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે, તેવું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડા વન્યજીવ અભ્યારણ ખાતે યોજાયેલા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
દેશ અને દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ પાઠવીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ભગવાન શ્રી કૃષ્ણએ કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપેલા ગીતા સંદેશમાં કહ્યું છે કે, પ્રાણીઓમાં હું મૃગરાજ સિંહ છું.
143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે, તે વાતનો આનંદ વ્યક્ત કરીને મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાનના વિઝન અને વન વિભાગની પ્રો-એક્ટિવ પ્રેક્ટિસીસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન-ગાથા વૈશ્વિક બની છે. આપણા વનરાજનો વૈભવ જળવાઈ રહે અને ભવિષ્યમાં પણ સતત વધતો રહે તે માટે વડાપ્રધાનએ ‘પ્રોજેકટ લાયન’ શરૂ કરાવ્યો છે. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસતિ પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, વન્યજીવોની માવજત અને સંરક્ષણની વાતને વડાપ્રધાનના દિશા દર્શનમાં અગ્રીમતા અપાઈ છે. જેની ફલશ્રુતિરૂપે સિંહોની સંખ્યા 674 થી વધીને 891 થઈ છે. સિંહોની વધતી વસ્તી આપણા સૌ માટે ગૌરવની વાત છે.
વડાપ્રધાનએ હંમેશા પ્રકૃતિ, પર્યાવરણ અને પ્રાણીઓના સંરક્ષણને આપણી જવાબદારી ગણાવી છે, એવું કહીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સ્થાનિક લોકો અને ગીરના સિંહો વચ્ચે ઇમોશન અને ઇકોનોમી બંન્નેનો સંબધ કેળવાયો છે. સિંહના વિચરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં 3 જિલ્લાથી વધીને 11 જિલ્લા સુધી વિસ્તર્યો છે. સ્થાનિક રહેવાસીઓમાં “સિંહ છે તો અમે છીએ અને અમે છીએ તો સિંહ છે” એવી ભાવના જાગૃત થઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં 'લાયન @2047 વિઝન ફોર અમૃતકાળ' શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ પણ જાહેર કરવામાં આવ્યો છે. વધતી જતી સિંહ વસતિના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણોને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયોની ભાગીદારીમાં વધારો કરવામાં આ પ્રોજેક્ટ લાયન@2047 મહત્વની ભૂમિકા ભજવશે. સરકાર વાઇલ્ડ લાઇફ ટુરીઝમ ડેવલોપમેન્ટ સાથે આ વિસ્તારના હોલીસ્ટિક ડેવલોપમેન્ટ માટે કામ કરી રહી છે.વન અને વન્યસૃષ્ટીના સંરક્ષણ તથા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રૂ.180 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું કે, બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો આવનારા દિવસોમાં હાથ ધરાશે. વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પેટ્રોલિંગ તથા મોનિટરિંગ અને પ્રાણીઓના રેસક્યુ સહિતના કામો માટે 247 જેટલા નવા વાહનો વન વિભાગમાં ઉમેરાઈ રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે,રાજ્યની ૨૪ જેટલી ઇકો ટુરીઝમ સાઇટ માટે હવે ઘરે બેઠા બૂકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલ કાર્યરત થયું છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે તેના પરિણામે સ્થાનિક ગૃહ ઉદ્યોગ અને હસ્તકલા ઉત્પાદનોનું પણ વેચાણ વધશે.વડાપ્રધાનએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને વધારીને ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે, તે જણાવી મુખ્યમંત્રીએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને રૂરલ ઇકોનોમી વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધવાની વાત ઉપર પણ ભાર મૂક્યો હતો.
વિકસિત ભારત@2047નો ઉલ્લેખ કરી તેમણે ઉમેર્યું હતું કે,આઝાદીની શતાબ્દી સુધીના આ અમૃતકાળમાં વિકાસની સિંહ ગર્જનાથી વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા ઝડપથી બનશે.ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ પર વિશ્વ સિંહ દિવસના અવસરે નવા રહેઠાણ અને વન - પર્યાવરણ વિભાગની નવીન પરિયોજનાઓના લોકાર્પણની શુભકામના પાઠવી કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેંદ્ર યાદવે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનના દૃઢ સંકલ્પને રાજ્ય સરકારે સુપેરે પાર પાડ્યો છે. ગૌરવની વાત છે કે એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીર પ્રદેશમાં જોવા મળે છે.
વડાપ્રધાનના પ્રકૃતિ સંરક્ષણના પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસો ફળશ્રુતિ રૂપે સિંહો સંખ્યામાં 17 ટકાનો વધારો થયો છે. સમગ્ર વિશ્વમાં જ્યારે જળવાયુ પરિવર્તનની સમસ્યાઓ ગંભીર રૂપે આકાર લઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વને રિન્યુએબલ એનર્જી તથા ક્લાઇમેટ ચેન્જ માટે એક્શન પ્લાન રજૂ કરી વિશ્વને નવી રાહ ચીંધી છે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, પ્રકૃતિ અને મનુષ્ય એકબીજાના પૂરક છે. જેનું ઉત્તમ ઉદાહરણ ગીર પ્રદેશમાં વસવાટ કરતા માલધારીઓ અને સિંહો વચ્ચે અનોખો બંધન જોઈ શકાય છે. આજે સમગ્ર વિશ્વ માટે ઈકો સેન્ટ્રિઝમના ભારતના પ્રયાસો પ્રેરણારૂપ બન્યા છે. ગત વર્ષે સાસણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની મિટિંગમાં વડાપ્રધાનએ ગુજરાત માટે સિંહોની વસ્તીમાં વધારો કરવા અને સિંહોના નવા રહેઠાણ એવા બરડા વન્યજીવ અભયારણ્યને વિકસાવવા માટે જે સંકલ્પ કર્યો હતો તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુપેરે પાર પાડ્યો છે.કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, જળવાયુ પરિવર્તનના કારણે અતિવૃષ્ટિ, તોફાન જેવી સમસ્યાઓ આકાર લઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલાઈમેટ ચેન્જ માટે CDRI ‘કોએલીશન ફોર ડિઝાસ્ટર રેઝીલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ તેમજ ‘આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ’ જેવા પ્રયાસો હાથ ધર્યા છે. ઉપરાંત વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ’ રચના કરી છે. સાત માંથી પાંચ પ્રકારના બિગ કેટ એનિમલ ભારતમાં વસવાટ કરે છે તેના સંરક્ષણ પ્રયાસો કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન, પ્રોજેક્ટ ટાઇગર, પ્રોજેક્ટ ડોલ્ફિન, પ્રોજેક્ટ ચિતા જેવા અનેકવિધ પ્રોજેક્ટને આગળ ધપાવવાનું કાર્ય કર્યું છે. પ્રકૃતિના સંરક્ષણ માટે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સંબંધો સ્થાપિત કરવા માટે પ્રયાસો કરવા પડશે.તેમણે ઉમેર્યું હતું કે, બરડા વન્યજીવ અભયારણ્યમાં ઘણા દાયકાઓ બાદ સિંહોનો પુનઃ વસવાટ થતા બરડાની જૈવ વિવિધતામાં નવી ઊર્જાનો સંચાર થતા ઇકો ટુરીઝમમાં વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળવાયુ પરિવર્તન સામે રક્ષણ માટે ‘મિશન લાઇફ’ તથા ‘એક પેડ માઁ કે નામ અભિયાન’ની શરૂઆત કરાવી છે. ‘એક પેડ મા કે નામ અભિયાન' એ આપણી લાઈફ સ્ટાઈલ, પ્રકૃતિ સાથેનું જોડાણ અને સુરક્ષા માટેનો સૌથી મોટો સંકલ્પ છે. એટલે મારો સૌને અનુરોધ છે કે વિકસિત ભારતના સંકલ્પને સાકર કરતાં તથા સમૃદ્ધ ભારતના નિર્માણમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ.રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં ગીર સિવાય પ્રથમ વખત બરડા અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે. દેશનું ગૌરવ એવા એશિયાટિક સિંહો આપણા ગુજરાતમાં વસવાટ કરે છે તે વાતનું સૌને ગર્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને સિંહોનું સંરક્ષણના પ્રયાસોથી રાજ્યમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં પ્રથમ વખત અદ્યતન ટેકનોલોજીની મદદથી સિંહોની ગણતરી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ટીંબડી પાસે આવેલા બરડા વન્યજીવ અભયારણ્યમાં 143 વર્ષ પછી સિંહોનો પુનઃ વસવાટ થઈ રહ્યો છે. બરડામાં 400થી વધુ ઔષધીય વૃક્ષો, છઠ્ઠી સદીનો નવલખા મંદિર થી માંડીને વિવિધ ધાર્મિક સ્થાનો, કુદરતી ઝરણા આવેલા છે. પરિણામે સિંહોએ બરડા અભયારણ્યને પોતાના બીજા ઘર તરીકે સ્વીકાર્યું છે.રૂ.180.12 કરોડના ખર્ચે મુખ્યમંત્રીએ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો તથા યોજનાઓની જાહેરાત કરી હતી. જેમાં બરડા અભયારણ્ય ખાતે મુખ્યમંત્રીએ 248 હેકટર વિસ્તારમાં નવીન સફારી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર તેમજ પ્રવાસી સુવિધાઓ અંગેની જાહેરાત કરી હતી. આ સુવિધાઓ રૂપિયા 75 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત તૃણાહારી પ્રાણીઓના સંવર્ધન પ્રજનન કાર્યક્રમ માટે 10.96કરોડના ખર્ચે બ્રીડિંગ સેન્ટરોનું નિર્માણ, વન વસાહતી ગામો અને ઇકો સેન્સેટિવ ઝોન વિસ્તારમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે રૂ.7.57 કરોડના ખર્ચે 137 કામો, જે.આઈ.સી.એ પ્રોજેક્ટ હેઠળ 720 ગામડાઓમાં રૂ ૩૫.62 કરોડના ખર્ચે સામૂહિક વિકાસ કામો અંગેની જાહેરાત, રૂ.7 કરોડના ખર્ચે વન્યપ્રાણી માટે રેસ્ક્યુ સેન્ટર અને ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ, રૂ.21 કરોડના ખર્ચ બરડા વિસ્તારના માલધારીઓ માટે સ્વૈચ્છિક સ્થળાંતરની યોજના, 9.94કરોડના ખર્ચે ફ્રન્ટ લાઈન સ્ટાફ માટે કુલ 20 આવાસ અને ઓફિસ બિલ્ડીંગના કામો, રૂ.૫ કરોડના ખર્ચે ચાડવા રખાલમાં કેરાકલ (હેણોતરા) સંવર્ધન, રૂ. 65 લાખના ખર્ચે સી.એસ.આ.ર હેઠળ ગીર વિસ્તારના ટ્રેકર્સનો વીમા અને સ્વાસ્થ્ય કવચ, રૂ.6.98 કરોડના ખર્ચે પેટ્રોલિંગ અને મોનિટરિંગ માટે ૩ રેસ્કયુ વ્હિકલ 200 બાઇક અને 44 યુટિલિટી વ્હિકલ અર્પણ કરવામાં આવ્યા હતા તથા 24 ઇકો ટુરિઝમ સાઇટના બુકિંગ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો.વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલ ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક લાયનના સંવર્ધનનું કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધારવામાં આવી રહ્યું છે, જેમાં મંત્રી ભૂપેંદ્ર યાદવના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયનો સહયોગ સાંપડ્યો છે. સિંહોનું બીજું ઘર અને પ્રાકૃતિક સૌંદર્ય, ઐતિહાસિક મહત્વ અને ભવ્ય સાંસ્કૃતિક ધરોહર ધરાવતો બરડો ડુંગર પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બન્યું છે.
વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે સાંસદ પૂનમ માડમ, સાંસદ પરિમલ નથવાણી, ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તેમજ હેમંતભાઈ ખવા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, ડી.જી. ફોરેસ્ટ સુશીલ અવસ્થી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, અગ્રણી ચેતનાબેન તિવારી તેમજ મયુરભાઈ ગઢવી, ઉપરાંત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya