નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) ત્રિવેન્દ્રમથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ, એઆઈ 2455 રવિવારે સાંજે એક મોટી દુર્ઘટનામાં બચી ગઈ. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, અનેક સાંસદો અને સેંકડો મુસાફરો વિમાનમાં સવાર હતા. વેણુગોપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે ફ્લાઈટ મોડી શરૂ થઈ હતી, પરંતુ ટેકઓફ થયાના લગભગ એક કલાક પછી, અચાનક જોરદાર અને અણધાર્યા આંચકા (તોફાની પવનને કારણે) અનુભવાયા. આ પછી, પ્લેનના કેપ્ટને ફ્લાઈટ સિગ્નલમાં ખામીની જાણ કરી અને પ્લેનને ચેન્નઈ તરફ વાળ્યું.
તેમણે ટ્વિટર પર જણાવ્યું કે, પ્લેન લગભગ બે કલાક સુધી ચેન્નઈ એરપોર્ટ પર ફરતું રહ્યું અને લેન્ડિંગ પરવાનગીની રાહ જોતું રહ્યું. પહેલા લેન્ડિંગ પ્રયાસ દરમિયાન, એક ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ જ્યારે બીજું પ્લેન તે જ રનવે પર હાજર હતું. કેપ્ટને તાત્કાલિક નિર્ણય લીધો અને વિમાનને ફરીથી ઉપર ઉડાડ્યું અને બધાના જીવ બચાવ્યા. બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું.
વેણુગોપાલે કહ્યું કે, કેપ્ટનની કુશળતા અને નસીબને કારણે આ ઘટનામાં બધા મુસાફરો બચી ગયા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મુસાફરોની સલામતી ક્યારેય નસીબ પર આધાર રાખવી જોઈએ નહીં. કોંગ્રેસ નેતાએ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ મામલાની તાત્કાલિક તપાસ કરવા, જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવી બેદરકારી અટકાવવા માટે નક્કર પગલાં લેવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ