ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.)
તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી થઈ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વિવિધ સ્પર્ધાઓ અને અલગ-અલગ કાર્યક્રમો થકી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કોડીનારમાં વિશાળ તિરંગા રેલી યોજાઈ હતી. આ તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. જ્યારે આ રેલી કોડીનારના મુખ્ય માર્ગો પર પસાર થઈ ત્યારે ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના ઉદઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ રેલી છારા ઝાપા, આંબેડકર ચોક, મેઈન બજાર, કોળી ચોરા, નાગલદેવી ચોક, સરકારી દવાખાનાથી થઈ અજંતા ટૉકીઝ, બસ સ્ટેશન થી ફરી આ રેલીનું મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાપન થયું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી શીવાભાઈ સોલંકી, મામલતદાર, ચીફ ઓફિસરશ્રી સહિત કોલેજના આચાર્ય તેમજ આરોગ્યના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ