હવે પશ્ચિમ કચ્છમાંથી પણ ટ્રેન દ્વારા માલપરિવહન શરૂ: અબડાસાથી પ્રથમ સોલ્ટ રેક રવાના
ભુજ – કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) તાજેતરમાં જ ભુજ-નલિયા રેલવે લાઈનના ગેજરૂપાંતરણનું કાર્ય પૂર્ણ થયા બાદ આ ક્ષેત્રમાંથી પણ માલ પરિવહનની કામગીરી ધમધમતી થઈ છે. અબડાસા તાલુકાના સણોસરા ગુડ્ઝ શેડ ખાતેથી રેલવે દ્વારા પ્રથમ બોક્સ વેગન રેકમાં 3851.2 ટન મીઠું
અબડાસાના સણોસરમાંથી પહેલી માલ રેક રવાના


ભુજ – કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) તાજેતરમાં જ ભુજ-નલિયા રેલવે લાઈનના ગેજરૂપાંતરણનું કાર્ય પૂર્ણ થયા બાદ આ ક્ષેત્રમાંથી પણ માલ પરિવહનની કામગીરી ધમધમતી થઈ છે. અબડાસા તાલુકાના સણોસરા ગુડ્ઝ શેડ ખાતેથી રેલવે દ્વારા પ્રથમ બોક્સ વેગન રેકમાં 3851.2 ટન મીઠું લોડ કરીને સાર્વધિક આવક મેળવી છે.

3851.2 ટન ઔદ્યોગિક મીઠું લોડ કરીને દહેજ મોકલાયું

રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો ગત તા. 9ના સણોસરા ગુડ્સ શેડથી દહેજ માટે ઔદ્યોગિક મીઠાની પહેલી રેક લોડ કરવામાં આવી હતી. 58 બોક્સ વેગન સાથેની રેકમાં 3851.2 ટન ઔદ્યોગિક મીઠું લોડ કરવામાં આવ્યું હતું. આ માલ ચૌગુલે સોલ્ટ વર્ક્સ (પ્રા.) લિમિટેડનો હતો, જેને વડોદરા મંડળના દહેજ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ રેકે 673.57 કિમીનું અંતર કાપ્યું હતું. જેનાથી રેલવેને 31.69 લાખની ભાડાની આવક થઈ હતી.

ઉદ્યોગો માટે વિશ્વસનિય પરિવહન સુવિધા

રેલવે દ્વારા અપનાવવામાં આવેલી સક્રિય માર્કેટિંગ નીતિ થકી આ સફળતા હાંસલ થઈ છે. આ નીતિ હેઠળ ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરીને તેમની જરૂરિયાતોને સમજવામાં આવી હતી અને તેમને અનુકૂળ ઉકેલો પૂરા પાડવામાં આવ્યા હતા. આ નવતર પ્રયાસથી માત્ર રેલવેની આવક જ નહીં ઉદ્યોગકારોને વિશ્વસનીય પરિવહન સુવિધા ઉપલબ્ધ થઈ છે તેમજ ઔદ્યોગિક મીઠાના પરિવહન માટેનો માર્ગ મોકળો થયો છે.

અમદાવાદ મંડળમાં અન્ય કાર્ગો ટર્મિનલ બનશે

અમદાવાદ મંડળમાં આગામી બે-ત્રણ વર્ષમાં છ બીજા ગુડ્ઝ કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે, જેથી આ ક્ષેત્રમાં રેલવેનો પરિવહનમાં હિસ્સો વધારે વધશે. નલિયા અને વાયોર વચ્ચેની નવી રેલવે લાઇન અલ્ટ્રાટેક સિમેન્ટ (સેવાગ્રામ) અને અદાણી સિમેન્ટ લિમિટેડ (સાંઘીપુરમ)ના પ્લાન્ટ્સને સીધી કનેક્ટિવિટી મળશે. આ બે સિમેન્ટ પ્લાન્ટની વર્તમાન ઉત્પાદન ક્ષમતા 1.2 કરોડ ટન પ્રતિ વર્ષ છે, જે આગામી બે-ત્રણ વર્ષમાં વધીને 1.8 કરોડ ટન થવાની સંભાવના છે.

કચ્છનાં બંદરોમાંથી 28.7 મિલિયન મેટ્રિક ટન માલ પરિવહન

માલ પરિવહન કાર્યોને મજબૂત બનાવવા માટે તેમાં કુલ 76 માલવાહક કેન્દ્ર છે, જેમાં સાત ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલ, છ ખાનગી માલ ટર્મિનલ, 16 ખાનગી સાઇડિંગ, 37 ગુડ્સ શેડ અને આઠ પોર્ટ ટર્મિનલનો સમાવેશ થાય છે. ગત નાણાકીય વર્ષમાં આ સુવિધાઓમાંથી લગભગ 46.77 મિલિયન ટન માલ લોડ કરવામાં આવ્યો હતો. આ કુલ લાડિંગમાંથી, મુંદરા પોર્ટનું યોગદાન 21.33 મિલિયન ટન, કંડલા પોર્ટનું 6.10 મિલિયન ટન અને તુણા ટેકરા પોર્ટનું 1.27 મિલિયન ટનનું યોગદાન રહ્યું છે, જે મળીને મંડળની કુલ લાડિંગના લગભગ 61.36 ટકા બને છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande