અમરેલી11 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી શહેરના જયસીંગપરા વિસ્તારમાં મલેરિયા, ડેંગૂ, ચિકનગુનિયા તથા પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલેન્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરના મોસમમાં વરસાદને કારણે પાણી ભરાઈ રહેવાની શક્યતા વધતી હોય, મચ્છરના પ્રજનન સ્થાનો દૂર કરવા અને સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર જઈને પાણીની ટાંકી, કુલર, ખાડાઓ અને અન્ય સ્થળોએ પાણી ભરાયેલું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ, ગંદા પાણીની નિકાસ સુચારુ રહે અને પીવાનું પાણી શુદ્ધ રહે તે માટે પણ ચકાસણી હાથ ધરાઈ છે.
સ્થાનિક લોકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેમાં સૂતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ, આસપાસ સ્વચ્છતા જાળવવી, પાણી ભરાઈ ન રહે તે માટે ખાડા ભરવા, તેમજ સમયસર તબીબી સારવાર લેવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરે અને આ અભિયાનમાં સહયોગ આપી પોતાનું તથા વિસ્તારનું આરોગ્ય સુરક્ષિત રાખે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai