બોટાદ11 ઓગસ્ટ (હિ.સ.)
આજરોજ બોટાદ જિલ્લાના PHC માંડવાના આયુષ્માન આરોગ્ય મંદિર, માંડવા ગામમાં પંચાયત ઓફિસ ખાતે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં ગ્રામજનોના આરોગ્યના સર્વાંગી વિકાસ અને રોગપ્રતિકારક જાગૃતિ માટે વિવિધ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન NCD (Non-Communicable Diseases) સ્ક્રીનીંગ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતના રોગોની તપાસ કરવામાં આવી. PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગ્રામજનોનું એનરોલમેન્ટ કરવામાં આવ્યું, જેથી તેઓ સરકાર દ્વારા મળતી આરોગ્ય સુવિધાનો લાભ લઈ શકે. સાથે જ, TB સ્ક્રીનીંગ કરી ક્ષયરોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી અને જરૂરી દર્દીઓના બ્લડ સેમ્પલ (BS Collection) લેવામાં આવ્યા.
શિબિર દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ સ્વચ્છતા, સંતુલિત આહાર, વ્યાયામ, નશો મુક્ત જીવનશૈલી અને રોગ પ્રતિકારક પગલાં અંગે વિસ્તૃત આરોગ્ય શિક્ષણ આપ્યું. ગ્રામજનોને સમયસર તપાસ કરાવવાની અને આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં આવી.
આ આરોગ્ય શિબિર દ્વારા ગામના નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારી ‘સ્વસ્થ ગામ – સમૃદ્ધ ગામ’નો સંદેશ આપવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai