એમ એસ યુનિવર્સિટી માં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરાઈ
વડોદરા, 11 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એમ.એસ. યુનિવર્સિટી કૅમ્પસમાંથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, પૂર્વ વિદ્યાર્થી નેતા, શહેર પ
એમ એસ યુનિવર્સિટી માં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરાઈ


વડોદરા, 11 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એમ.એસ. યુનિવર્સિટી કૅમ્પસમાંથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી, પૂર્વ વિદ્યાર્થી નેતા, શહેર પ્રમુખ તેમજ વિવિધ સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. એમ.એસ. યુનિવર્સિટી ના મુખ્ય દ્વારેથી સવારે યાત્રાનો પ્રારંભ થયો હતો, જ્યાં સૌએ તિરંગો હાથમાં લઈને “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના ગુંજતા નારા લગાવ્યા હતા.

યાત્રામાં ખાસ કરીને યુવાનોમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ પરંપરાગત વસ્ત્રોમાં, માથા પર તિરંગી પટ્ટી અને હાથમાં રાષ્ટ્રીય ધ્વજ લઈને ઉપસ્થિત રહ્યા હતા. શહેર પ્રમુખ સહિતના આગેવાનો આગળ રહીને સૌને દેશપ્રેમનો સંદેશ આપતા હતા. પૂર્વ વિદ્યાર્થી નેતાઓએ પણ પોતાના વિદ્યાર્થી દિવસોની યાદોને તાજી કરતાં રાષ્ટ્રપ્રેમના સંદેશ આપ્યા હતા.

યાત્રા યુનિવર્સિટી કૅમ્પસના મુખ્ય માર્ગોથી પસાર થઈ શહેરના મહત્વના વિસ્તારો તરફ આગળ વધતી ગઈ. માર્ગમાં લોકો તિરંગા લહેરાવતા અને યાત્રાનો સ્વાગત કરતા જોવા મળ્યા. નાના બાળકો પણ તિરંગા લહેરાવી દેશપ્રેમમાં સહભાગી બન્યા.

આ કાર્યક્રમનો હેતુ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને સંવિધાન પ્રત્યે આદર જાગૃત કરવાનો હતો. આયોજકો મુજબ, આવનારા દિવસોમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ દેશપ્રેમી કાર્યક્રમો યોજાશે. તિરંગા યાત્રાએ સમગ્ર શહેરમાં દેશભક્તિનું વાતાવરણ ફેલાવી દીધું હતું, જ્યાં દરેક નાગરિકના હૃદયમાં ભારત માટે ગર્વ અને એકતાનો ભાવ વધુ પ્રગટ થયો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya


 rajesh pande